પહેલો ક્રિકેટ બોલ અહીં નંખાયો:મોતીબાગની પીચ અને વિકેટ ઓસ્ટ્રેલિયન માટીથી બની હતી

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1898માં રાજકુમારોની ક્રિકેટ પ્રેક્ટિસ માટે મેદાન તૈયાર કરાયું હતું
  • ભારતના 29 ઇન્ટરનેશનલ પ્લેયર્સ અહીં રમ્યાં ચૂક્યા છે

સંસ્કારીનગરી કે કલાનગરી ઉપરાંત વડોદરાની વધુ એક ઓળખ ક્રિકેટનગરીની પણ હોઇ શકે છે. 19મી સદીના ભારતના સૌથી શ્રેષ્ઠતમ ક્રિકેટ પીચમાં મોતીબાગ ગ્રાઉન્ડનો પણ સમાવેશ થતો હતો. ક્રિકેટ પ્રેમી મહારાજા સયાજીરાવે પોતાના રાજકુમારોને ક્રિકેટની તાલીમ-પ્રેક્ટિસ માટે આ મેદાન તૈયાર કરવામાં આવ્યું હતું. તે સમયે ક્રિકેટની પીચ તૈયાર કરવા ઓસ્ટ્રેલિયાથી જહાજોમાં ખાસ લાલ માટી લાવવામાં આવી હતી. આ જ પીચ પર પહેલો ક્રિકેટ બોલ નંખાયો હતો અને પહેલો રન પણ આ જ પીચ પર દોડવામાં આવ્યો હતો.

જોકે આ બોલર અને બેટ્સમેનના નામો ઉપલબ્ધ નથી. ભારતના 29 ઇન્ટરનેશનલ પ્લેયર્સ ઓછામાં ઓછું એક વખત અહીં બીસીએ સાથે જોડાઇને ક્રિકેટ રમ્યા છે. વધારે રસપ્રદ બાબત એ છે કે, 4 ક્રિકેટર એવા છે જેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અન્ય દેશોની ટીમો માટે પ્રતિનિધિત્વ કર્યું છે. જિતેન્દ્ર પટેલ નામના એક પ્લેયર કેનેડા માટે અને શૌકત દુકાનવાલા યુએઇની ટીમ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા છે. જ્યારે ગુલમહંમદ અને આમીર ઇલાહી ભારત અને પાકિસ્તાન બંને ટીમો માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રહ્યાં હતા.

આ વિશે વડોદરાના રાજવી પરિવારના સભ્ય જિતેન્દ્રસિંહ ગાયકવાડ કહે છે કે, ‘ મોતીબાગ મેદાનને યુવરાજો અને રાજવી કુટુંબોના યુવાઓ માટે જ તૈયાર કરવાનું હોવાથી તેની માટી જહાજોમાં ઓસ્ટ્રેલિયાથી લાવવામાં આવી હતી. તે સમયના નિષ્ણાતોએ પીચ તૈયાર કરી હતી. આ પીચ આજે પણ ક્રિકેટની શ્રેષ્ઠ પીચ પૈકીની એક ગણાય છે.’ આ મેદાનની પાસે જ ડ્રેસિંગ રૂમની પાછળના ભાગમાં પીરબાબાની એક સદીઓ જૂની દરગાહ અને મકબરો હોવાનું કેટલાક વર્ષ અગાઉ એક સમયના ખ્યાતનામ ક્રિકેટર જી. વિશ્વનાથે પણ નોંધ્યું છે.

અહીં સંદીપ પાટીલે 8 વિકેટ લીધી હતી !
આ મેદાન પર અઝહરુદ્દીને 62 બોલમાં સેન્ચ્યુરી ફટકારી હોવાની જાણીતી વાત છે. પણ જાણીને નવાઇ લાગશે કે એક જમાનામાં બેટિંગ દરમિયાન ફટકાબાજી માટે ખ્યાતનામ સંદીપ પાટીલે આ મેદાન પર આઠ વિકેટ પણ લીધી છે. તેઓ બોમ્બે યુનિવર્સિટીની ટીમ તરફથી વડોદરા રમવા 1975ની આસપાસ આવ્યાં હતા ત્યારે તેમણે આ સિદ્ધિ મેળવી હતી.

મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ
પહેલી રણજી ટ્રોફી મેચ
1957-58 બરોડા વિરુદ્ધ સર્વિસિસ

પહેલી ઇન્ટરનેશનલ વન ડે 1 નવેમ્બર, 1983, ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ

બીજી ઇન્ટરનેશનલ વન ડે 17 ડિસેમ્બર, 1988, ભારત વિરુદ્ધ ન્યૂ ઝિલેન્ડ

ત્રીજી ઇન્ટરનેશનલ વન ડે 17 ફેબ્રુઆરી, 1996, ન્યૂ ઝિલેન્ડ વિરુદ્ધ નેધરલેન્ડ

અન્ય સમાચારો પણ છે...