સાવલીમાં રહેતી સગીરા સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કેળવીને વડોદરાના કમાટીબાગ ખાતે ઝાડી-ઝાંખરામાં લઈ જઇ દુષ્કર્મ આચર્યા બાદ તેને સાવલી પરત છોડીને મુંબઇ ફરાર થઇ રહેલા વિધર્મી દુષ્કર્મીને જિલ્લા એલસીબી પોલીસે કરજણ ટોલનાકા પાસે ઝડપી લીધો હતો. પોલીસે કોરોના ટેસ્ટ કરાવી મંગળવારે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી હતી.
સાવલી પોલીસ સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ મુંબઈ ખાતે રહેતો તોહિદ ઉર્ફે કાશીફ સમીર શેખ (રહે.અંધેરી ઇસ્ટ, સાગર સિટી, મુંબઈ) છેલ્લાં દોઢ વર્ષથી સાવલી ખાતે રહેતી ધોરણ 9માં ભણતી સગીરા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હતો. સગીરાનો મોબાઇલ નંબર મેળવીને તેની સાથે તે અવાર-નવાર વાતચીત કરતો હતો અને વિશ્વાસ કેળવી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે એકવાર સાવલી તેને મળવા પણ આવ્યો હતો. દોઢ વર્ષથી પરિચય કેળવીને જાળમાં ફસાવનારો તોહિદ ગત 3 ડિસેમ્બરે સગીરાને મળવાનું નક્કી કરીને 2 ડિસેમ્બરે મુંબઇથી ટ્રેનમાં બેસીને વડોદરા આવ્યો હતો. ત્યારબાદ સગીરાનો સંપર્ક કરી સાવલી ગયો હતો અને સગીરાને મળીને તેને લલચાવી-ફોસલાવી વડોદરામાં કમાટીબાગમાં લઇ આવ્યો હતો, જ્યાં એકલતાનો લાભ લઇને સગીરાને નજીકના ઝાડી- ઝાંખરામાં લઇ જઇ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત બહાર આવી હતી. ત્યારબાદ તોહિદ સગીરાને સાવલી લઇ ગયો હતો અને ત્યાં તેને છોડી દીધી હતી. સમગ્ર બનાવની જાણ સગીરાએ પોતાના કુટુંબીજનોને કરતાં આ બાબતે સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી.
દરમિયાન એલસીબીની ટીમે પોલીસે કરજણ ટોલનાકા પાસેથી તેને ઝડપી લેતાં પોલીસ તંત્રમાં હાશકારો વ્યાપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.