શહેરની 5 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જાહેરાત પૈકી માંજલપુર બેઠકે સૌની ધીરજની કસોટી કરી હતી. 75 વર્ષની વય મર્યાદા વટાવી ચૂકેલા ધારાસભ્ય યોગેશ પટેલને નિયમોને નેવે મૂકી ટીકીટ આપવા માટે ભાજપ મજબુર બન્યો છે. સવારે યોગેશ પટેલના નામની જાહેરાત થઈ હતી. જોકે વડોદરા આવેલા મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ તમામના અભિપ્રાય લીધા બાદ માંજલપુર બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા હોવાનું નિવેદન આપ્યું હતું. જો કે બપોરે 1.15 વાગ્યે ફોર્મ ભરવા પહોંચેલા યોગેશ પટેલને પક્ષનું મેન્ડેટ ના મળતાં 45 મિનીટ ધૂણી ધખાવવી પડી હતી.
જો કે 2 વાગ્યે સાંસદ રંજનબેન ભટ્ટ ફોર્મ લઇને આવતાં યોગેશ પટેલ સહિત સમર્થકોના 45 મિનીટ સુધી અધ્ધર રહેલા શ્વાસ 45 મિનિટે હેઠા બેઠા હતાં. ભાજપે ઉમેદવારોની પહેલી યાદી જાહેર થયા બાદ શહેરના માંજલપુર બેઠક પર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નહતી. જોકે મોડીરાતે જ યોગેશ પટેલને પ્રદેશ મોવડી મંડળે ફોન કરી તૈયારી કરવાનું કહેવાયું હતું. નોંધનિય છે કે, તાજેતરમાં સીઆર પાટીલે 75 વર્ષનો ક્રાઇટેરિયા નક્કી કર્યા હતા. ધારાસભ્ય યોગેશ પટેલની ઉંમર 76 વર્ષ થઈ છે.
તેમ છતાં ભાજપે નિયમોને નેવે મૂકીને મોવડી મંડળે ટીકીટ આપી છે. બીજી તરફ કેયુર રોકડિયાના ઉમેદવારી પત્ર ભરવા પ્રસંગે વડોદરા આવેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ભાજપમાં હંમેશા ઉમેદવારો પસંદ કરવાની પ્રણાલી અને પરંપરા વર્ષોથી રહેલી છે. તમામના અભિપ્રાય લીધા બાદ માંજલપુર બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા છે.
માંજલપુર બેઠક પર ફોર્મ ભરવા આવેલા યોગેશ પટેલ કથ્થઈ કલરની નેતા કોટી પહેરીને આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ 1990માં ફરાસખાના વ્યવસાય માટે સાવલી ગયા હતા. સાવલીવાળા સ્વામિજી કોટી-ટોપી પહેરીને આવ્યા હતા. તે મને આપીને કહ્યું હતું કે તું આજથી નેતા, ચૂંટણી પ્રચારમાં લાગી જા. જેથી હું કોટી પહેરીને આવ્યો છું, ટોપી ખિસ્સામાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.