હોસ્પિટલમાં પહેલી પ્રસૂતિ અહીં થઇ:મહારાણીના આકસ્મિક મૃત્યુએ વડોદરાને પ્રસૂતિગૃહની ભેટ અપાવી

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યાદગીરી રાખવા માતાનું નામ આપ્યું
  • લક્ષ્મી વિલાસ પેલેસના આર્કિટેક્ટ મેજર મન્ટે હોસ્પિટલની ડિઝાઇન તૈયાર કરી હતી

વડોદરામાં દર્દીઓના ઇલાજ માટે મહારાજા ખંડેરાવ( 1856થી 1870)ના સમયમાં વારસિયામાં સ્ટેટ વતી એક હોસ્પિટલ ખોલવામાં આવી હતી. આ દવાખાનામાં બીમાર વ્યક્તિઓને વિવિધ દવાઓ અપાતી હતી. આ ઉપરાંત જ્યારે રોગચાળાની સ્થિતિ ફેલાતી ત્યારે રાજ્ય દ્વારા દવાઓનું વિતરણ કરવામાં આવતું હતું. મહારાજા સયાજીરાવ રાજા તરીકે જાહેર થયા ત્યારબાદ તેમનું ચીમણાબાઇ સાથે લગ્ન થયું. લગ્નના બે વર્ષમાં જ તેમનું એક પ્રસૂતિ દરમિયાન અવસાન થઇ ગયું. આ બાબતથી શોકગ્રસ્ત મહારાજાએ તુરંત જ એક મેટરનિટિ હોસ્પિટલનો પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો.

જ્યાં પ્રસૂતાઓની પ્રસૂતિ થઇ શકે. સયાજીરાવે 1881માં શાસનની સમગ્ર ધૂરા પોતાના નિયંત્રણમાં લઈ લીધી હતી. 1882માં જ તેમણે પોતાની માતા જમનાબાઇની યાદગીરીમાં મેટરનિટી હોસ્પિટલનો પ્રારંભ કર્યો હતો. જે આજે પણ જમનાબાઇ હોસ્પિટલ તરીકે જ જાણીતી છે. આ હોસ્પિટલ શહેરની પહેલી મેટરનિટિ હોસ્પિટલ હતી. આ હોસ્પિટલની ભવ્ય ઇમારતની ડિઝાઇન તૈયાર કરવાની જવાબદારી મેજર ચાર્લ્સ મન્ટને સોંપવામાં આવી હતી. મન્ટે લક્ષ્મીવિલાસ પેલેસની પણ ડિઝાઇન તૈયાર કરી હતી.

વડોદરાના ઈતિહાસના અભ્યાસુ રાજેન્દ્ર શાહ કહે છે કે આ હોસ્પિટલની ઇમારતના એન્ટ્રન્સ કિલ્લેબંધ નગરના મુખ્ય દરવાજાઓઓની યાદ અપાવે છે. તેના પ્રવેશદ્વાર પછીનો હોલ બૌદ્ધ ચૈત્યની આવૃત્તિ જેવો છે. ઇમારતના મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં ઇસ્લામિક કમાન અને ડાબી અને જમણી બંને બાજુએ બે ઝરૂખાઓ આ બિલ્ડિંગને વિશેષ ભવ્યતા આપે છે.

આ પ્રવેશદ્વારની ઉપરની તરફ પથ્થરની જાળીના બારીક નકશીકામ પર નજર પડતાં જ અમદાવાદની સીદી સૈયદ મસ્જિદની સુપ્રસિદ્ધ જાળીની યાદ આવી જાય છે. ઇમારતના બાંધકામના એન્જિનિયર તરીકે જી.નોક્સ હિલ નામના અંગ્રેજ અમલદાર હતા. માંડવી સ્થિત જમનાબાઇ હોસ્પિટલ અગાઉ મેટરનિટિ હોસ્પિટલ હતી. સમય જતાં હવે ત્યાં તમામ વિભાગો શરૂ થતાં દર્દીઓ બહોળો લાભ લઇ રહ્યા છે.

હોસ્પિટલ બનાવી તે જગ્યા પર અગાઉ અંગ્રેજ અમલદારોની ઓફિસ હતી
જમનાબાઇ હોસ્પિટલની જગ્યામાં અગાઉ અંગ્રેજ અમલદારોની ઓફિસ હતી. મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું ત્યારબાદ ઘણા વર્ષો સુધી આ હોસ્પિટલમાં સુધારા કરવાની જરૂર પડી ન હતી. હોસ્પિટલ બંધાયાના 70 વર્ષ બાદ તેનું એક્સટેન્શન કરવામાં આવ્યું હતું અને ત્રણ રૂમ જોડવામાં આવ્યાં હતા. આ હોસ્પિટલ બંધાઇ ત્યારે હોસ્પિટલની આગળ લીલીછમ્મ જગ્યા હતી. દેશને આઝાદી મળી ત્યારબાદ આ હોસ્પિટલ આગળની જગ્યા કાઢી નાંખવામાં આવી. તેનું સ્થાન રસ્તાઓએ લઇ લીધું છે. આગામી વર્ષોમાં શહેરની અન્ય હેરિટેજ ઇમારતોની જેમ આ પણ લોકોની યાદગીરીઓમાં કાયમ રહેશે.

અન્ય સમાચારો પણ છે...