5 જૂનને વિશ્વમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સરકાર અને સામાજીક સંસ્થાઓ પર્યાવરણની જાગૃતિ ફેલાવવા અનેક કાર્યક્રમો યોજે છે. જોકે પર્યાવરણને જ નુકશાન પહોંચાડીને દર વર્ષે તંત્ર ખેતીની જમીનને બિનખેતીમાં પરીવર્તીત કરવાની મંજૂરી પણ આપે છે. વિકાસની દોડમાં પર્યાવરણ પ્રેમ ભૂલી સરકારે એક વર્ષમાં 18.11 લાખ ચોરસ મીટર જમીનને ખેતીમાંથી બિન ખેતીમાં ફેરવવાની મંજૂરી આપી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2020-21માં તંત્રએ જિલ્લાની 18,11,026 ચોરસ મીટર જમીનને બિનખેતીની મંજૂરી આપી દીધી છે. જેની પર વૃક્ષોની જગ્યાએ ક્રોક્રિટના જંગલો બંધાશે. ખેતીની જમીનને બિનખેતીમાં પરીવર્તીત કરવાથી ગ્રીન ઝોન પણ ઓછો થતો જાય છે.
કલેકટર કચેરીના આધારભૂત સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, 2020માં 3945 અરજીઓની સામે 1699 અરજીઓ મંજુર કરવામાં આવી હતી. જેની સરખામણીમાં 2019માં જમીન એન.એ કરવા કુલ 2769 કેસ આવ્યા હતા. જેમાંથી 2491 કેસનો નિકાલ થયો હતો. જ્યારે વર્ષ 2019માં શહેર-જિલ્લાની કુલ 1.41 કરોડ ચો.મી ખેતી લાયક જમીનને બિન ખેતી કરવા તંત્રે મંજૂરી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ત્યારે ખેતીની જમીનો જ ઓછી થવા માંડશે તો ખેડૂત પાક કેવી રીતે પકવશે? તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. દેશમાં જ તમામ ધાન પાકતું હોવાને કારણે ધાન બાબતે દેશ આત્મનિર્ભર પહેલેથી જ છે. પરંતુ વિકાસની દોડમાં દિવસે ને દિવસે ખેતીની જમીનો ઓછી થઇ રહી છે તે ચિંતા ઉપજાવે તેવી બાબત બની રહી છે.
શહેર-જિલ્લામાં 1 લાખથી વધુ છોડ વાવવામાં આવે છે
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેર અને જિલ્લામાં 1 લાખથી વધુ છોડ વાવવામાં આવે છે. પરંતુ વાવ્યા બાદ તેની કાળજી લેવાતી નથી. અમુક જ એવી સંસ્થા છે કે તેમણે વાવેલા છોડની સંભાળ તેઓ વર્ષોવર્ષ રાખે છે. ઉલ્લેખનિય છે કે, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વન વિભાગ પણ મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લામાં વૃક્ષારોપણ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.