તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તરપ્રદેશના ધર્માંતરણ કેસ:સલાઉદ્દીન અને ઉમર ગૌતમના સ્થાનિક સંપર્કોની તપાસ કરાશે

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરપ્રદેશના ધર્માંતરણ મામલે વધુ 2 દિવસના રિમાન્ડ
  • વડોદરામાં અત્યાર સુધી 10 વ્યક્તિનાં નિવેદન લેવાયાં હતાં

યુપીના ધર્માંતરણના મામલામાં ફંડિંગ કરવાના મુદ્દે પકડાયેલા વડોદરાના સલાઉદ્દીન શેખના 7 દિવસના રિમાન્ડ પૂરા થતાં તેને અમદાવાદ કોર્ટમાં રજૂ કરી આજે વધુ 2 દિવસના રિમાન્ડ મેળવાયા હતા.યુપી એટીએસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ વડોદરામાં અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન ઓરિજન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતો હતો.

સલાઉદ્દીન શેખે તેની સંસ્થા એએફએમઆઇ દ્વારા 4 વર્ષની અંદર ઉમર ગૌતમની સંસ્થા ઇસ્લામિક દાવાહ સેન્ટર અને ફાતિમા ચેરિટેબલ ટ્રસ્ટને 10 કરોડનું વિદેશી ફંડ મળ્યું હતું. મોટાભાગે અમેરિકી અને યુકેનાં સંગઠનો તરફથી ફંડ મોકલાયું હતું. ત્યારબાદ યુપી પોલીસે સલાઉદ્દીનને અદાલતમાં રજૂ કરી તપાસ માટે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કયા હવાલા ઓપરેટરો મારફતે પૈસાની લેવડ-દેવડ થઇ હતી તથા તેના તેમજ ઉમર ગૌતમના કોની કોની સાથે સંપર્કો હતા તે સહિતના મુદ્દા પર તપાસ કરાઇ રહી છે. વડોદરાના તેના સ્થાનિક સંપર્કો કોની કોની સાથે હતા તે મુદ્દાની પણ તપાસ કરાઇ રહી છે. વડોદરામાં પણ આ સંદર્ભે 10 વ્યક્તિઓની પૂછપરછ કરીને નિવેદન લેવાયાં હતાં. દરમિયાન રિમાન્ડ પૂરા થતાં તેને અમદાવાદ કોર્ટમાં રજૂ કરી વધુ 2 દિવસના રિમાન્ડ મેળવાયા હોવાનું એટીએસનાં સૂત્રોએ જણાવ્યું હતું.

સલાઉદ્દીનનાં બેંક ખાતાઓની તપાસ
સલાઉદ્દીનના ટ્રસ્ટના બેંક ખાતાઓની ઝીણવટભરી તપાસ કરાઇ રહી છે. ક્યાંથી કેટલી રકમ આવી હતી અને કેટલી રકમનો ઉપાડ થયો હતો અને આ રકમ હવાલા દ્વારા ક્યાંથી મોકલાઇ હતી તે મુદ્દે તપાસ કરાઇ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સલાઉદ્દીનની સાથે સંપર્ક ધરાવનારા સ્થાનિક લોકોની ભૂમિકા વિશે પણ તપાસ ચાલી રહી છે.

સલાઉદ્દીને ક્યાં ક્યાં રોકાણો કરેલાં છે તથા તેની મિલકતોની પણ ઊંડી તપાસ કરાઇ રહી છે. તેણે પોતાના કર્મચારીના નામે મિલકતો ખરીદી હોવાનું બહાર આવ્યું હતું, તેથી તેની મિલકતોની પણ તપાસ કરાઇ રહી છે. ટ્રસ્ટના હિસાબોની પણ ચકાસણી કરાઇ રહી છે, જેમાં વધુ ચોંકાવનારી માહિતી બહાર આવી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...