વડોદરા રહસ્યમય મોત કેસ:પાડોશીએ કહ્યું - ઘરમાં છેલ્લે પુત્રી કાવ્યા ગઈ હતી, તેના છેલ્લા શબ્દો, ‘મમ્મી, દરવાજો ખોલ...’

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક શોભનાબેન અને પુત્રી કાવ્યાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મૃતક શોભનાબેન અને પુત્રી કાવ્યાની ફાઇલ તસવીર.

છ વર્ષની માસૂમ કાવ્યાનો ચહેરો અને તેનો રમતિયાળ સ્વભાવ સોસાયટીમાં સૌને ગમતો હતો. એક પાડોશીએ જણાવ્યું કે, ‘ વિમલ-શોભના અને કાવ્યા ઘરમાં ત્રીજા માળે રહેતા હતા. ત્રીજા માળે છેલ્લે કાવ્યા પહોંચી હતી. તેણે 12 વાગ્યાના સુમારે ‘ મમ્મી, દરવાજો ખોલ’ એવી બૂમ પાડી હતી. આ બૂમ બે પાડોશીઓએ સાંભળી હતી. પણ ત્યારે કોઇ લાઇટ કરવામાં આવી નહીં, દરવાજો ખૂલ્યો અને બંધ થઇ ગયો. દરવાજો તેની મમ્મીએ નહોંતો ખોલ્યો કારણ કે તેની કોઇ બૂમ સંભળાઇ ન હતી. ’ અને કાવ્યાનો અવાજ ત્યારબાદ હંમેશાં માટે શાંત થઇ ગયો. પાડોશીઓએ કહ્યું હતું કે, ‘વિમલ એવું બોલ્યો હતો કે હું દરવાજો બે દિવસથી ખુલ્લો જ રાખતો હતો.’

ગળું દબાવવાથી મોત નથી નીપજ્યું, પણ ઝેર પીવાથી થયું છે
આ બંને મા-દીકરીના પોસ્ટમોર્ટમ કરનાર ડો. આર.વી. પાટીલે જણાવ્યું કે, ‘ ગળુ દબાવવાથી મોત નથી નીપજ્યું પણ ઝેર પીવાથી થયું છે તેવું પ્રાથમિકપણે જણાય છે. એવું પણ હોઇ શકે કે તેની કોઇ સાથે ઝપાઝપી થઇ હોય અને ત્યારબાદ કોઇક કારણસર ઝેર લેવાયું હોય. બાળકીને ઝેર આપવામાં આવ્યું છે. મેં પોલીસને આ વાત કહી હતી. તેમણે ફરી તપાસ કરતા ઉંદર મારવાની દવા મળી આવી હતી.’

ડસ્ટબિનમાં કોનના રેપર અને ફ્રિજમાંથી અડધી ચોકલેટ મળી
પાડોશીઓએ જણાવ્યું કે, ડસ્ટબિનમાં આઇસક્રીમ કોનના રેપર હતા. બીજો એક કોન ફ્રીજમાં હતો. જ્યારે એક અડધી ખવાયેલી કેડબરી ચોકલેટ ફ્રીજમાં હતી. ઝેર આપ્યા બાદ બંનેની હત્યા કરવામાં આવી હોય તેવી શક્યતા પણ નકારી શકાય નહીં.’

મહિલાનો પતિ વિમલ કોઇ રહીશો સાથે ઝાઝી વાતચીત કરતો ન હતો
સોસાયટીના રહીશોએ જણાવ્યું કે, ‘ મહિલાનો પતિ વિમલ ગેંડાસર્કલ પાસેના ક્રોમા સ્ટોરમાં નોકરી કરતો હતો અને ઘરેથી બાઇક પર જતો હતો. સોસાયટીમાં કોઇની સાથે ઝાઝી વાત કરતો ન હતો અને કોઇ ઇવેન્ટમાં ભાગ પણ લેતો ન હતો.

નખના ઉઝરડા જોતાં ઝપાઝપીની આશંકા
સમગ્ર બનાવ અંગે સમા પીઆઇ નિલેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, મહિલાના ગળાના ભાગે નખના ઉઝરડા જોવા મળ્યા છે અને રાત્રે પતિ-પત્ની બંને એકલાં હતાં, જેથી ઝપાઝપી થઇ હોય તેવું અનુમાન છે. આ વિશે તપાસ ચાલુ છે. અંતિમવિધિ માટે મૃતદેહ ગોધરા લઇ જવાયો છે અને વધુ તપાસ માટે વિસેરા લેવાયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બનાવ અંગે હાલ અકસ્માત મોત નોંધી પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

PMની પ્રાથમિક વિગતમાં ઝેરની અસર જોવા મળી
આ ઘટના અંગે અકસ્માત મોત નોંધવામાં આવ્યું છે. જોકે પીએમની પ્રાથમિક વિગતમાં પોઇઝનની અસર દેખાઇ આવી છે. વિસેરાના નમૂના લીધા બાદ તેના ફાઇનલ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરાશે. > લખધીરસિંહ ઝાલા, ડીસીપી ઝોન-4

આ રહ્યાં હત્યાની શંકા ઊપજાવતાં કારણો જે પાડોશીઓ કહી રહ્યાં છે

  • બંને મૃતદેહોના હોઠ સૂકાયેલા હતા. કોઇ ફીણ નીકળતું ન હતું : જો કોઇ ઝેરી દવા પીવે તો મોંમાંથી ફીણ નીકળતું હોય, ઉલટી કરે પણ બંને મૃતદેહમાં આવી કોઇ બાબત જોવા મળી ન હતી.
  • ઝેરની કોઇ વાસ આવતી ન હતી : જો ઝેર લઇને કોઇએ આત્મહત્યા કરી હોય તો ઝેરની વાસ પણ શરીરમાંથી આવે બંને મૃતદેહ જ્યારે લોકોએ જોયા ત્યારે ઝેરની કોઇ બદબૂ આવતી ન હતી.
  • શોભનાબેનના ગળાના ભાગે નિશાન : પાડોશીઓએ જણાવ્યું કે, શોભનાબેનના ગળાના ભાગે સ્પષ્ટ ઇજાના અને નખના નિશાન જોવા મળ્યા હતા. આ ઉપરાંત ચેઇનનો ઘસરકો પણ જોવા મળ્યો હતો.
  • ઉંદરો છે જ નહીં તો મારવાની દવા કેમ? : આ ઘરમાં કે સોસાયટીમાં પણ ઉંદરનો ત્રાસ નથી. તો ઉંદર મારવાની દવા કોણે મૂકી. પોલીસની સાંજની તપાસમાં ઊભી શેટીના ઉપરના ભાગેથી મળી આવી.
  • શોભનાબેનની ચેઇનમાં પેન્ડલ ન હતું : શોભનાબેનની ચેનમાં પેન્ડલ હતું. જ્યારે ગળામાંથી ચેઇન કાઢવામાં આવી તો પેન્ડલ ન હતું. જે બેડ નીચેથી મળ્યું હતું. તેમનું પેન્ડલ ત્યાં કેવી રીતે ગયું ?
  • 11.30 વાગે હસતી મહિલા આપઘાત ના કરે : શોભનાબેન ગરબા રમતા હતા. ત્યારે તેઓ ખુશ હતા. અચાનક દીકરી સાથે આત્મહત્યા કરે તે વાત કોઇને ગળે પણ ઉતરતી નથી.
અન્ય સમાચારો પણ છે...