વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા સોનીનું દુકાન સાથેનું મકાન પડાવી લેતાં તેમણે ઝેરી દવા પી લીધી હતી. તેમને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા છે. વ્યાજખોરોએ 2 કરોડની મિલકતનો રૂપિયા આપવાનું કહી દસ્તાવેજ કરાવી લીધો હતો અને રૂપિયા આપવા ઇનકાર કરતાં સોનીએ 5 પાનાંની અંતિમ ચિઠ્ઠી લખી ઝેરી દવા પીધી હતી.ફતેપુરા પોલીસ ચોકી સામે સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા અને 15 વર્ષથી મહાલક્ષ્મી જ્વેલર્સ દુકાન ધરાવતા નંદકિશોર સોની કેન્સરની બીમારીથી પીડાતા પિતાની સારવાર અને બે બાળકો તેમજ પત્નીનું ભરણપોષણ કરતા હતા.
જેમાં આજવા રોડ ઉપર રહેતા દિપ્તેશ રમેશભાઈ ચૌહાણ પાસેથી 10 વર્ષ અગાઉ 40 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 80 લાખ ચૂકવી દીધા હતા. કોરોનામાં ધંધો નહિ થતા તેમણે મુખ્ય માર્ગ ઉપર આવેલી પોતાની દુકાનની બે કરોડ કિંમત આંકી અખબારમાં વેચાણ માટે જાહેરાત આપી હતી. આ કિંમતે વ્યાજખોર દિપ્તેશ ચૌહાણે દુકાન લેવા તૈયારી દર્શાવી હતી. દસ્તાવેજ બાદ રૂપિયા આપવાનંુ કહી પોતાના મામાના દીકરા રાજન રાજપૂત અને રામ પ્રસાદ રાજપૂતના નામે દસ્તાવેજ કરવી લીધો હતો.
રૂપિયા બે દિવસમાં આપીશું એમ બંનેએ કહી પછી ગલ્લા-તલ્લા કરી અંતે રૂપિયા મળે નહિ કહેતાં નંદકિશોરભાઈ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા.મંગળવારે વ્યાજખોરોએ દુકાન પડાવી લીધાની વિગતો અને જેમની પાસેથી રૂપિયા લેવાના નીકળે છે એના હિસાબ સાથે 5 પાનાંની અંતિમ ચિઠ્ઠી લખી સોનીએ ઝેરી દવા પીધી હતી. સયાજી બાદ ગંભીર હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પોલીસે નિવેદન લઇ કાર્યવાહી કરી હતી.
સોનીએ પોતાની અંતિમ ચિઠ્ઠીમાં લખેલાં વિશ્વાસઘાત કરનારનાં નામ
ડીજી, કમિ., કલેક્ટર, મેયર સમક્ષ ન્યાયની માગ
નંદકિશોર સોનીએ લખેલી અંતિમ ચિઠ્ઠીમાં તેમને હેરાન કરતા 25 વ્યાજખોરના નામ લખી તેમની કરતૂતો લખી છે અને 19 લોકો પાસેથી લેવાના નીકળતા લાખો રૂપિયાની પણ વિગતો લખી ડીજીપી, પોલીસ કમિશનર, કલેક્ટર, મેયરને હાથથી લખેલી સ્યૂસાઇડ નોટમાં મારા પરિવારને હેરાન કરતા નહિ અને મારું મૃત્યુ એળે જાય નહિ, ન્યાય અપાવજો તેવી વિનંતી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.