દર મહિને પાલિકામાં મળતી સંકલનની બેઠક આ વખતે જુલાઈ મહિના બાદ 6 મહિને મળી હતી. જેમાં હેરિટેજ ન્યાય મંદિર સામેના પદ્માવતી શોપિંગ સેન્ટર અને આસપાસના પથારાના દબાણો અંગે સૂચનો થયા હતા. ઉતરાયણ બાદ પદ્માવતી શોપિંગને હટાવવાની કવાયત કરવા સંકલનમાં નક્કી થયાનું સપાટી પર આવ્યું છે. શનિવારે સંકલનમાં સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો યોગેશ પટેલ, બાળકૃષ્ણ શુક્લ, મનીષા વકીલ, કેયુર રોકડીયા, ચૈતન્ય દેસાઈ, શેલૈષ સોટ્ટા તથા મ્યુનિ. કમિ. બંછાનિધિ પાની સહિત અધિકારીઓએ હાજર રહ્યા હતા.
સંકલનમાં ચર્ચા : ઉત્તરાયણ સુધી ધંધો કરવા દો પછી કામ શરૂ કરીશું, સેન્ટર હટાવવું જ પડે, ભાડું આપતા નથી
સુત્રો મુજબ ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લે કહ્યું હતું કે, પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવું જ પડે. વર્ષોથી ભાડું ભરાતું નથી. પેટા ભાડુઆતો છે. તેના મૂળ માલિકો કરોડપતિ થઈ ગયા છે. શોપિંગ સેન્ટરના જ દુકાનવાળાઓ પથારાઓને માલ આપે છે અને ધંધો કરે છે. ત્યાં છેડતીના બનાવો બને છે. તેમની જગ્યા આપવાની થતી હોય તો એ આપવી જોઈએ. જોકે બાળકૃષ્ણ શુકલને પૂછતાં તેઓએ કહ્યું હતું કે ન્યાયમંદિરની સુંદરતા વધારવા મુદ્દે રજુઆત કરી હતી.
ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું હતું કે સોનાની પ્રતિમા ક્યાંય નથી. શોપિંગ સેન્ટર ન હોય તો ગાંધી નગરગૃહથી ન્યાયમંદિરનો વ્યૂ સારો લાગે. બેઠક 6.30 વાગ્યે પૂર્ણ થઈ હતી. જેમાં તમામ ધારાસભ્યોએ પદ્માવતી શોપિંગ સેન્ટર વિસ્તારમાં ભવિષ્યના ડેવલપમેન્ટનું આયોજન અને વેપારીઓને વૈકલ્પિક જગ્યા મળે તેમ કહી સમર્થન આપ્યું હતું. ઉત્તરાયણ બાદ પદ્માવતી શોપિંગ સેન્ટરને ધ્વસ્ત કરવા માટેનો નિર્ણય લેવાયો છે. ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તેમના વિસ્તારના પ્રશ્નો માટે કાગળોનો બંચ લાવતાં અધિકારીઓ-કમિશનર ચોંક્યા હતા. કમિશનરે આગામી મહિનાની બેઠકમાં ચર્ચા કરવા વિનંતી કરતા ચૈતન્ય દેસાઈએ હામી ભરી હતી.
પદ્માવતીને ઝડપથી હટાવવામાં અાવશે, પથારાઓનો વહીવટી ચાર્જ નહિ લેવાય
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે સંકલનમાં ઘણા સૂચનો આવ્યા છે. પદ્માવતી શોપિંગ સેન્ટર મુદ્દે પણ વાત થઈ હતી અને તેને ઝડપથી હટાવવામાં આવશે. આધારભૂત સૂત્ર મુજબ સંકલનની બેઠકમાં ધારાસભ્યોની રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનરે રોડ રસ્તા પર પથારાના કારણે થતા ટ્રાફિકજામ મુદ્દે કહ્યું હતું કે હવેથી પથારાના રૂ. 3500 લેવામાં નહીં આવે અને તેઓને જગ્યા આપવામાં નહીં આવે.
વેપારીઓ માટે શોપિંગ સેન્ટર બનાવો : એસો.
ધ સિંધ ક્લોથ મર્ચન્ટ એસો. વડોદરાએ મ્યુનિસિપલ કમિશનરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેમના રોજગારના દેવસ્થાનને તોડી વેપારીઓના પેટ પર તરાપ મારવામાં આવશે તો વેપારીઓ અને તેમના પરિવારને ભૂખે મરવાનો વારો આવશે. આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વેપારીઓ માટે ત્યાં શોપિંગ સેન્ટર બનાવવામાં આવે તેવી તેઓએ માંગ ઉઠાવી છે.
સંકલનમાં અા પણ રજુઅાત...
ખાસવાડીનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે -સાંસદ
સાંસદ રંજનબેન ભટ્ટે પ્રતાપ નગરને સેટેલાઈટ રેલવે સ્ટેશન બનાવવા, ખાસવાડીમાં રૂ. 14 કરોડના ખર્ચે કામ ઝડપથી કરવા, પદ્માવતી જર્જરીત છે, તેને હટાવવા રજુઆત કરી હતી.
વોર્ડ 4,5,15માં પાણીની સમસ્યા - મનીષા વકીલ
ધારાસભ્ય મનિષાબેન વકીલે વોર્ડ 4,5 અને 15માં પાણીની સમસ્યાના સહિત ગધેડા માર્કેટ અને ટાંકી પાસેના શાક માર્કેટ મુદ્દે સૂચન કર્યા હતા.
રોડોના કામ ઝડપી કરવા સુચન કર્યુ - મેયર
મેયર-ધારાસભ્ય કેયુર રોકડીયાએ ભાગીદારીથી બનતા રોડનો નિકાલ લાવવા, ITI પાસે નોન TP જમીન મુદ્દે સૂચનો કર્યા હતા.
ચાર દરવાજાની શોભા બગાડતી ઈમારતો હટાવો - સોટ્ટા
ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાએ ન્યાયમંદિર સહિત શોભા બગાડતી ઈમારતોને દૂર કરવા કહી, ભાયલી-બીલમાં STP, કલાલીમાં રસ્તા, વડદલામાં ફીડર લાઈન મુદ્દે સૂચન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.