વડોદરાની પરિણીતાની આપવીતી:પતિએ પત્નીને બેડરૂમમાં કહ્યું: 'તું મને એક બાળક પેદા કરીને આપી દે અને તારો જૂનો આશિક હોય તો તેની સાથે સંસાર માંડી દે'

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પરિણીતાના પેટમાં ત્રણ માસનો ગર્ભ હોવા છતાં પતિએ ઘરમાંથી કાઢી મૂકી

અઢી વર્ષ પહેલાં વડોદરાના તરસાલી વિસ્તારની જ્યોતિ (નામ બદલ્યું છે)ના લગ્ન દિલ્હીના રાજેશ સાથે થયા હતા. લગ્નને એક સપ્તાહ જેટલો સમય થઇ ગયો હતો. જ્યોતિના હાથની મહેંદી પણ ઉતરી ન હતી. તેની આંખોમાં લગ્ન બાદ સેવેલા સપનાઓનું ઘોડાપૂર ચાલી રહ્યું હતું. દરમિયાન લગ્નના એક સપ્તાહના અંતિમ દિવસની રાત્રે જ્યોતિ અને રાજેશ રોજની જેમ બેડરૂમમાં ગયા હતા. રાત્રિના 10 વાગ્યાના સુમારે પતિ રાજેશે પત્ની જ્યોતિને પોતાની સામે બેસાડીને જણાવ્યું કે "મને તું એક બાળક પેદા કરીને આપી દે, અને તારો જૂનો આશિક હોય તો તેની સાથે તારો સંસાર માંડી દે, અને મને છૂટો કરી દે" પતિ રાજેશની આ વાત સાંભળી જ્યોતિના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

એક તબક્કે જ્યોતિ સ્તબ્ધ થઇ ગઇ હતી અને વિચારોની સુનામી વચ્ચે રાત પસાર કરી હતી. તે દિવસથી લઇને આજદિન સુધી ત્રાસ આપવામાં માઝા મુકનાર પતિ અને તેના સાસરીયાઓ સામે પરિણીતાએ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

માતા-પિતાની આબરું બચાવવા દીકરી ત્રાસ સહન કરતી રહી
જ્યોતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે લગ્નના એક સપ્તાહ બાદથી જ જ્યોતિને ખબર પડી ગઇ હતી કે, પતિ રાજેશ સાથે સાંસારીક જીવન ખૂશીથી પસાર થવું મુશ્કેલ છે. પરંતુ, માતા-પિતા દ્વારા આપાવમાં આવેલા સંસ્કાર અને પરિવાર તેમજ સમાજમાં માતા-પિતાની આબરું ન જાય તે માટે મુંગા મોંઢે પતિ અને સાસરીયાઓનો ત્રાસ સહન કરી રહી હતી. ઘર કામથી લઇ દહેજ અંગે અવાર-નવાર પતિ રાજેશ જ્યોતિને માર મારતો હતો. એતો ઠીક જ્યોતિને તેના માતા-પિતા વિષે પણ અપશબ્દો બોલતો હતો. આમ છતાં, સમય આવે બધું સમુસુરતરું થઇ જશે તેવી આશાએ જ્યોતિ પતિ અને સાસરીયાઓનો ત્રાસ સહન કરતી રહી હતી.

તારા પિતાએ લગ્ન સમયે કશું આપ્યું નથી
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, પતિ દારૂ પીને ઘરે આવતો ત્યારે જ્યોતિને જણાવતો હતો કે, તારા પિતા લગ્ન સમયે કશું આપ્યું નથી. કાર આપવાની વાત કરી હતી તે પણ આપી નથી. રૂપિયા 14 લાખ આપવાની વાત કરી હતી તે પણ આપ્યા નથી. તું મારા જીવનમાંથી ચાલી જા. તેમ જણાવી મારઝૂડ કરતો હતો. દરમિયાન પરિણીતા વડોદરા પિયરમાં આવ્યા પછી પણ તેણે પોતાની પડી રહેલા દુઃખ અંગે માતા-પિતાને જાણ કરી ન હતી. અને પતિ તથા સાસરીયાઓ સારી રીતે રાખે છે. તેવું ખોટું બોલી પતિ તથા સાસરીયાઓનો બચાવ કર્યો હતો. દરમિયાન કોરોનાના કારણે લોકડાઉન આવી જતાં, જ્યોતિ પરત જઇ શકી ન હતી.

પરિણીતા લોકડાઉનમાં પિયરમાં ફસાઇ ગઈ
કોરોનાનું લોકડાઉન પૂરું થયા બાદ પણ પતિ રાજેશ પત્ની જ્યોતિને લેવા માટે વડોદરા ન આવતા જ્યોતિના પિતાએ જમાઇ રાજેશને ફોન ઉપર વાત કરતા તે લેવા માટે આવી ગયો હતો. અને જ્યોતિને દિલ્હી લઇ ગયો હતો. દિલ્હી લઇ ગયા બાદ પતિએ જ્યોતિને ત્રાસ આપવાનું ચાલુ જ રાખ્યું હતું. એક દિવસ જ્યોતિને તેને માર માર્યો હતો અને જ્યોતિના પેટમાં ત્રણ માસનો ગર્ભ હોવા છતાં, તેને ઘરમાંથી કાઢી મુકી હતી.

તમારી દીકરીના અવળા ધંધા છે, અમારે રાખવી નથી
દરમિયાન જ્યોતિ વડોદરા આવી હતી અને તેને પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રને જન્મ આપ્યા બાદ પણ પતિ કે તેના પરિવારજનો પુત્રને જોવા માટે આવ્યા ન હતા. એતો ઠીક જ્યોતિને લેવા માટે પણ આવ્યા ન હતા. દરમિયાન જ્યોતિના પિતા અને પરિવારજનો દિલ્હી જ્યોતિની સાસરીમાં ગયા હતા. જ્યાં તેઓનું પતિ તથા તેના જેઠ રાકેશ અને નણંદોઇ સુશીલે અપમાન કર્યું હતું અને જણાવ્યું હતું કે, તમારી દીકરીના અવળા ધંધા છે., અમારા ખાનદાનને લાયક નથી. અમને તમારી દીકરી ભટકાવી દીધી છે. તેણે હવે અમે રાખવા તૈયાર નથી. અને જો તે આવશે તો પણ તેણે જાનથી મારી નાંખીશું. તેવી ધમકી આપી હતી.

કોઇ માર્ગ ન દેખાતા પરિણીતાએ આખરે ફરિયાદ નોંધાવી
વડોદરા માતા-પિતા સાથે રહેતી અને પુત્રનો ઉછેર કરતી જ્યોતિને પોતાનો સાંસારીક જીવન આગળ નહિં ધપે તેમ જણાતા તેણીએ પતિ રાજેશ સહિત સાસરીયાઓ સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મકરપુરા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...