તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લક્ષ્મીપુરા દુષ્કર્મ પ્રકરણ:અંતિમચિઠ્ઠીની તપાસ માટે ફોરેન્સિક-હેન્ડ રાઇટિંગ એક્સપર્ટની મદદ લેવાઇ

વડોદરા3 મહિનો પહેલા
 • કૉપી લિંક
દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝાની તસવીર. - Divya Bhaskar
દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝાની તસવીર.
 • યુવતી પર મિત્રે જ દુષ્કર્મ કરતાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી
 • દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝા 5 દિવસના રિમાન્ડ પર, વિવિધ પાસા પર તપાસ શરૂ કરાઈ

શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ યુવતીએ કરેલી આત્મહત્યાના બનાવમાં પોલીસે 2 આરોપીને ઝડપી રવિવારે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. અદાલતે બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે વિવિધ મુદ્દા પર આરોપીની તપાસ કરવાની સાથે યુવતીએ આત્મહત્યા કરતાં પૂર્વે લખેલી ચિઠ્ઠીને કબજે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે.

લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી તેના પરિવારથી અલગ રહેતી અને છાણીની કંપનીમાં નોકરી કરતી હતી. બે દિવસ પહેલાં યુવતી સાથે કામ કરતા દિશાંત દિપક કહાર તથા નાઝીમ ઇસ્માઇલ રહીમ મિર્ઝા યુવતીના ઘરે ભેગા થયા હતા અને યુવતીને બળજબરીથી દારૂ પીવડાવી યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના બાદ યુવતીને લાગી આવતાં તેણે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. ગોરવા પોલીસે આ ઘટના બાદ બંને આરોપી દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝાને ઝડપી લીધા હતા. યુવતીએ આત્મહત્યા કરતા પૂર્વે તેના મિત્ર સાથે કરેલી વાતની 8 મિનિટની ઓડિયો ક્લિપ તથા ચિઠ્ઠી પોલીસે કબજે કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, અંતિમ ચિઠ્ઠીને વધુ તપાસ માટે ફોરેન્સિક તપાસ માટે મોકલાઇ છે, સાથે હેન્ડ રાઇટિંગ એક્સપર્ટની પણ મદદ લેવાઇ રહી છે. પોલીસે રવિવારે બંને આરોપીઓને વિવિધ મુદ્દાની તપાસ માટે અદાલતમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. અદાલતે બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અગાઉથી જ દુષ્કર્મનો પ્લાન હતો કે કેમ? તેની તપાસ

 • બંને આરોપી દુષ્કર્મ કર્યા પહેલાં દારૂની બોટલ, નાસ્તો બહારથી લાવ્યા હતા. આ બોટલ અને નાસ્તો ક્યાંથી તથા કોની પાસેથી લાવ્યા હતા, કોઇ વ્યક્તિ આપી ગયો હતો કે કેમ તેની તપાસ કરાશે.
 • આરોપીઓ અને યુવતી એક સાથે એક જ સ્થળે નોકરી કરતાં હતાં, જેથી નોકરીના ગાળામાં તેઓ એક સાથે બહાર ફરવા ગયાં હતાં કે કેમ તેની તપાસ કરાશે અને પુરાવા ભેગા કરાશે.
 • આરોપી દિશાંતે યુવતીના ઘેર જઇ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને તે પાછળનું તેનું મુખ્ય કારણ શું હતું તથા તેનો ગુનો કરવાનો પહેલાંથી જ બદઇરાદો હતો કે કેમ તેની તપાસ કરાશે.
 • બંને આરોપીની કોલ ડિઇટેલ મેળવાશે.
 • બંને આરોપી ઝોમેટો ચેટ પ્રોસેસ જેવી કંપનીમાં નોકરી કરતા હતા, જેથી બંને ટેક્નિકલ જ્ઞાન ધરાવે છે, ગુનો આચર્યા બાદ તેમણે અગત્યના પુરાવાનો નાશ કર્યો છે કે કેમ તેની તપાસ કરાશે.
 • દુષ્કર્મ વખતે બંને આરોપીએ ફોટા કે વીડિયો ઉતાર્યો હતો કે કેમ તેની તપાસ થશે.
 • બંને આરોપી એક સાથે ઘણા સમયથી નોકરી કરે છે અને બંને ખાસ મિત્રો છે, જેથી તેમની સાથે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરાશે.
 • આ ગુનો આચર્યા પહેલાં આરોપીઓએ આવો અન્ય કોઇ ગુનો આચર્યો છે કે કેમ તથા આ જ યુવતી સાથે આવું કોઇ કૃત્ય કર્યું છે કે કેમ તેની તપાસ કરાશે.
અન્ય સમાચારો પણ છે...