કળાકારોનો સૂર:સરકાર કળાકારોને અરજીને આધારે નહીં, પ્રતિભાને આધારે એવોર્ડ આપે : ફઝલ કુરેશી

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
દાયકા બાદ દરબારી જલસો - Divya Bhaskar
દાયકા બાદ દરબારી જલસો
  • હવે અમદાવાદ જેવા મહોત્સવ વડોદરામાં નથી થતાં એ દુર્ભાગ્યપૂર્ણ
  • શુદ્ધ સંગીત વ્યક્તિને એકધ્યાનમાં લઇ જાય છે, ફ્યૂઝન સંગીતકારોનો માનસિક વ્યાયામ છે

વડોદરામાં એક દાયકાબાદ પહેલીવાર લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલ ખાતે શુક્રવારથી બે દિવસીય ફેસ્ટિવલ ઓફ આર્ટનો પ્રારંભ થયો હતો. આ કલાપર્વમાં પ્રસ્તુતિ કરવા આવેલા દિગ્ગજ કલાકારોમાં પહેલા દિવસે બાંસુરીવાદક રાકેશ ચૌરસિયા, તબલાવાદક ફઝલ કુરેશી અને ગાયક આનંદ ભાટેએ વિવિધ બંદિશો રજૂ કરીને પર્ફોર્મન્સ આપ્યાં હતા.

ફઝલ કુરેશીએ જણાવ્યું હતું કે, સરકારે કળાકારોને અરજીને આધારે નહીં પરંતુ કળાને આધારે એવોર્ડ આપવા જોઇએ. જ્યારે વડોદરા વિષે કળાકારોએ કહ્યું હતું કે, અમદાવાદમાં સપ્તક 4 દાયકાથી વધુ સમયથી થાય છે. એવા મહોત્સવ વડોદરામાં નથી યોજાતા. અગાઉ દરબાર હોલમાં સંગીતના કાર્યક્રમો નિયમિતપણે યોજાતા હતા.

કલા એવોર્ડની કમિટીમાં અધિકારીઓ હોય છે જેમને કલામાં રુચિ નથી હોતી
​​​​​​​ સરકારી વિભાગોમાં સંગીત કે અન્ય કલાના એવોર્ડ માટેની કમિટીમાં જે અધિકારીઓને નીમ્યાં હોય છે તેઓને કલા સિવાયના વિષયમાં રૂચિ હોય છે. આ ઉપરાંત એવોર્ડ માટે કલાકારોને અરજી ન કરાવો પણ સરકારી અધિકારીઓએ આવીને તેમને સ્ટેજ પર સાંભળવા જોઇએ. મેં કદી આવા એવોર્ડ માટે અરજી આપી નથી. ક્રિકેટમાં જે રીતે ખેલાડી કરિશ્મા બતાવે છે, તેને એવોર્ડ અપાય છે, તેવું જ કલાકારોને અપાતા એવોર્ડમાં હોવું જોઇએ.’ શુદ્ધ સંગીત વ્યક્તિને એકધ્યાનમાં લઇ જાય છે. જ્યારે ફ્યુઝન સંગીતકારોનો માનસિક વ્યાયામ છે. જોકે વર્ષોની સાધના સંગીતકારો સાથે મળીને કરે તો એ સંગીત પણ બળકટ બની શકે છે.> ફઝલ કુરેશી, તબલા વાદક

​​​​​​​સંગીતની સાચી મજા તેને વધુ નહીં, સહેજ ઓછું જાણનાર વધારે લે છે
વાંસળીથી માંડીને કોઇ પણ વાદ્ય વાગતું હોય ત્યારે તેના રસપાન માટેના શ્રોતા બે પ્રકારના હોય છે. જો સંગીતને તમે ઊંડાણપૂર્વક જાણો છો કે રસિયા પણ છો તો તમે સંગીત પ્રસ્તુતિ સાંભળતા અનાયાસે જ ક્રિટિક બની જાઓ છો અને વિચારો છો ‘અરે..કલાકારે અહીં ચૂક કરી દીધી’. ભારતમાં આવા રસિયાઓ પણ છે. જ્યારે વિદેશમાં લોકો સંગીતની મજા માણવા જ કાર્યક્રમો યોજે છે. સંગીતની સાચી મજા તેને સહેજ ઓછુ જાણનારા સહજપણે જ વધારે લેતા હોય છે. પ્રસ્તુતિ બાદની શ્રોતાજનો પાસેથી મળતી તાળીઓ જ કલાકારની પરીક્ષાની સફળતા માટે પૂરતી હોય છે. > રાકેશ ચૌરસિયા, બાંસુરીવાદક.

વડોદરામાં શાસ્ત્રીયની સાથે મહારાષ્ટ્રની સંગીત પરંપરા પણ જોવા મળે છે
વડોદરાના ઉસ્તાદ ફૈયાઝ ખાન અને ભીમસેન જોશીની રચનાઓ, બંદિશો સહિતની પ્રસ્તુતિ વડોદરાના કલારસિકોને ગમશે. વડોદરામાં પણ શાસ્ત્રીયની સાથે મહારાષ્ટ્રની સંગીત પરંપરા પણ જોવા મળે છે. બોલિવૂડના અડધા લોકગીતોમાં વડોદરાના કલાકારો છે. આજથી 40 વર્ષ અગાઉ મેં દરબાર હોલમાં 11 વર્ષની વયે પ્રસ્તુતિ કરી હતી. આટલાં વર્ષો બાદ ફરી પ્રસ્તુતી કરતાં ખુબ આનંદ થઇ રહ્યો છે. > આનંદ ભાટે, પ્રસિદ્ધ ગાયક

અન્ય સમાચારો પણ છે...