ભાજપના કોર્પોરેટર અને જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના બંગલામાં ગેસ જોડાણના ચેકિંગમાં કશું ગેરકાયદેસર નથી તેમ કહેનાર ગેસ વિભાગ ફિક્સમાં મુકાયો છે. ગેસ વિભાગે રાત્રે ઉજાગરા કરીને બિલ તો બનાવ્યા છે પણ ભાસ્કરની તપાસમાં પરાક્રમસિંહના બંન્ને ગેસ જોડાણના મિટર બંધ હોવાનું જણાયું છે. જે દિવસે ચેકિંગ કરાયું તે જ દિવસનું એક મિટરનું બિલ રૂ.27481 બાકી કાઢવામાં આવ્યું છે જ્યારે અન્ય મિટરનું બિલ જુલાઇ મહિનામાં ભરાયું હતું. ત્યારબાદ શૂન્ય રિડીંગ હોવાનું જણાયું છે. તેનો માત્ર 1 રૂપિયો બાકી હોવાનું બિલમાં જણાયું છે. ડેમેજ કંટ્રોલ કરવા ભાજપના નેતાઓ મેદાને પડ્યા છે, જ્યારે વિપક્ષ ભેદી રીતે મૌન છે.
કનેકશનને રાતોરાત કાયદેસર કરવાના પ્રયત્નોમાં સોમનાથવિલા, સમા એલએન્ડટી સર્કલ પાસેના સરનામે પરાક્રમસિંહના એક જ સરનામે બે ગેસ કનેક્શન છે, બંનેના ગ્રાહક નંબર અને મીટર નંબર અલગ છે. 16 ઓગસ્ટ 2016ના રોજ આ કનેકશન સ્વીચ ઓન થયાનું નોંધાયુ છે. વીજીએલના એમડી હિતેન્દ્ર ગર્ગે જણાવ્યું કે જે મીટર આ બંગલામાં લાગેલા છે એ 2019માં બનેલા છે. સોમનાથ વિલામાં કનેક્શનની તપાસ માટે ગયા બાદ વીજીએલના એમડીની બોલતી બંધ થઈ છે.
ગેસ વિભાગે રાત્રે ઉજાગરા કરીને બિલ બનાવ્યા
જો કે કનેક્શન નિયમબદ્ધ કરવા રાતોરાત બનાવેલા બિલો દિવ્યભાસ્કરના હાથે લાગ્યા છે. જેમાં અસંખ્ય છબરડા છે. આ ગુનાહિત કહી શકાય એવી પ્રવૃત્તિ છે. બિલો અને કનેક્શન મેળવવા અપાયેલા દસ્તાવેજોની ચકાસણી થાય તો માહિતી બહાર આવે એમ છે. પરાક્રમસિંહના નામે સોમનાથવિલા ખાતે નોંધાયેલા ગેસ કનેક્શનના વપરાશના બિલો પૈકી એકમાં ગ્રાહક નંબર 4218924, બીજો ગ્રાહક નંબર 2856654 છે. બંનેમાં ગુનાહિત પ્રવૃત્તિ હોય એ કક્ષાની વિસંગતતા છે.
કાગનું બેસવું ને ડાળનું પડવું તેવો ખેલી ખલ‘નાયક’ ચર્ચામાં
કાગનું બેસવું અને ડાળનું પડવું એવી ઉક્તિ ત્યારે જ બંધ બેસતી આવે જ્યારે જોગાનુજોગ કોઇ ઘટના ઘટે. પરંતુ આ ઘટનામાં ચિત્ર સાવ ઊંધું છે. મેયરની નિમણૂંક આગામી 10મીએ થનાર છે. ત્યારે ભાજપમાં જૂથબંધી શરૂ થઇ છે. કેટલાંક નેતાઓનો હાથો બનેલા એક અધિકારીએ રજા ઉપર ઉતરી મોબાઇલ બંધ કરી દીધો હતો. તેમના અદૃશ્ય થયા બાદ જ પરાક્રમસિંહના બંગલે ચેકિંગ થયું હતું. 5 મિનિટમાં જ મેસેજ વાઇરલ થઇ ગયો હતો. અને ચોક્કસ લોકો સુધી માહિતી પહોંચતી કરી દેવાઇ હતી. આખા પ્રકરણ પાછળનો ખલ ‘નાયક’ પાલિકામાં ભારે ચર્ચામાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.