• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Future Of 197 Students Of Kanyada School In Vadodara Is Bleak, Children Have Been Studying In Panchayat And Dairy Houses For One And Half Years

'કેવી રીતે ભણશે ગુજરાત':વડોદરાના કનાયડાની સ્કૂલના 197 વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું, દોઢ વર્ષથી પંચાયત અને ડેરીના મકાનમાં બાળકો અભ્યાસ કરે છે

વડોદરા16 દિવસ પહેલા
બાળકો પંચાયત ઘર, મદરેસા તેમજ ડેરીના મકાનમાં બાળકો ભણે છે
  • સ્કૂલનું મકાન જર્જરીત થઇ જતાં દોઢ વર્ષ પહેલા તોડી પડાયું હતું
  • સ્કૂલનું મકાન બનાવવામાં ન આવતા ગામના લોકોએ પંચાયત ઘરને તાળાબંધી કરી

'ભણશે ગુજરાત'ની ગુલબાંગો પોકારતી ભાજપ સરકારમાં વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કનાયડા ગામમાં સ્કૂલનું મકાન ન હોવાથી દોઢ વર્ષથી બાળકો ગામના પંચાયત ઘર, મદરેસા તેમજ ડેરીના મકાનમાં બાળકોને ભણાવવાની ફરજ પડી છે. અનેક વખત રજૂઆત કરવા છતાં, સ્કૂલનું મકાન બનાવવામાં ન આવતા ગામના લોકો દ્વારા પંચાયત ઘરને તાળાબંધી કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, ગામમાં સ્કૂલનું મકાન ન હોવાથી 197 બાળકોનું ભાવિ જોખમમાં મુકાઇ ગયું છે.

ગામનું મકાન જર્જરીત હાલતમાં હોવાતી તોડી પડાયું
રાજ્ય સરકાર ભણશે ગુજરાત અભિયાન હેઠળ સાક્ષરતા વધારવાના પ્રયાસો કરે છે. પરંતુ, ઇચ્છા શક્તિના અભાવે સરકારના અભિયાનને સફળતા મળતી નથી. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કનાયડા ગામમાં 1થી 8 ધોરણની શાળા છે. પરંતુ, ગામની સ્કૂલનું મકાન જર્જરીત થઇ જતાં, સ્કૂલનું મકાન કોઇપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા વગર 18 માસ પહેલાં જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. છેલ્લા 18 મહિનાથી જર્જરિત શાળા તોડી પડાયા બાદ શાળાનું નવુ મકાન બનાવવામાં ન આવતા સ્કૂલના 197 બાળકોને ગામ લોકોની મદદથી પંચાયત ઘર, ડેરી ઘર તેમજ મદ્રેશામાં ભણાવવાની શિક્ષકોને ફરજ પડી છે.

સ્કૂલનું મકાન બનાવવામાં ન આવતા ગામના લોકોએ પંચાયત ઘરને તાળાબંધી કરી
સ્કૂલનું મકાન બનાવવામાં ન આવતા ગામના લોકોએ પંચાયત ઘરને તાળાબંધી કરી

197 વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું
ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર સુધારવા સાક્ષરતા મિશન હેઠળ 'ભણશે ગુજરાત' અભિયાન પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ ધાર્યું પરિણામ મળતું નથી. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા કનાયડા ગામની પરિસ્થિતિ સરકારના અભિયાન સામે સવાલો ઉઠાવે છે. આ ગામમાં એકથી આઠ ધોરણ સુધીના વર્ગો ધરાવતી એક શાળા હતી. શાળાની ઇમારત જર્જરિત થતાં આજથી 18 માસ અગાઉ શાળા તોડી પાડવામાં આવી હતી. શાળાની બીજી ઇમારતની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા સિવાય જર્જરિત શાળાની ઇમારત તોડી પડતાં 197 બાળકોના શિક્ષણનું ભાવિ પણ જમીનદોસ્ત થઈ ગયું. ગ્રામજનોનું માનીએ તો છેલ્લા 18 માસથી શાળા નહિ હોવાને કારણે બાળકોના અભ્યાસ પર સીધી અસર થઈ રહી છે.

માત્ર ચાર શિક્ષકો જ ફરજ બજાવે છે
ગામના રહેવાસી ફિરોઝભાઇએ જણાવ્યું હતું કે, તંત્રની ઘોર બેદરકારીનો ભોગ માત્ર બાળકો એકલા જ નથી બનતાં, શાળાની ઇમારત વગર શિક્ષકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીં 197 બાળકો માટે 6 શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલું છે. પરંતુ માત્ર ચાર શિક્ષકો જ ફરજ બજાવે છે.

સ્કૂલનું મકાન જર્જરીત થઇ જતાં દોઢ વર્ષ પહેલા તોડી પડાયું હતું
સ્કૂલનું મકાન જર્જરીત થઇ જતાં દોઢ વર્ષ પહેલા તોડી પડાયું હતું

ગ્રામજનોએ ગ્રામ પંચાયતને તાળા મારી આક્રોશ ઠાલવ્યો
કનાયડા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ જણાવ્યું હતું કે, બાળકોના ભવિષ્ય સામે સવાલો ઉઠતાં અમે વારંવાર રજૂઆતો કરી છે. આખરે ગ્રામજનોએ ગ્રામ પંચાયતને તાળા મારી આક્રોશ ઠાલવ્યો હતો. હવે બાળકોને ક્યાં ભણવા બેસાડવા તે પ્રશ્ન છે.

અમે આ બાબતે ગંભીર છીએ
વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અને ડભોઇની સીમડિયા બેઠકના જિલ્લા પંચાયત સભ્ય અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, અમે આ બાબતે ગંભીર છીએ. સાચી વાત છે કે, 18 માસ પહેલાં કનાયડા ગામની શાળાનું મકાન જમીનદોસ્ત કર્યા બાદ નવું બની શક્યું નથી. હાલ અમે ગામનો કોમ્યુનિટી હોલ તાત્કાલિક રીપેર કરી આપવાનો વિકલ્પ શોધ્યો છે. અને વહેલી તકે કનાયડા ગામની શાળાનું નવું મકાન બની જાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...