છેતરપિંડી:ટ્રાવેલ એજન્સીને વાહન બતાવવું પડશે કહી કાર લઈ ગઠિયો ફરાર

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એનઆરઆઈ પ્રવાસીઓ માટે 6 મહિનાનો ભાડા કરાર કર્યો હતો
  • 25 હજારનો ચેક આપ્યા બાદ વાહનમાલિક સાથે છેતરપિંડી

એનઆરઆઈ પ્રવાસીઓ માટે 6 મહિનાના કરાર કરી કાર ભાડેથી લીધા બાદ ભાડાના રૂપિયા ન ચૂકવી તેમજ કાર પણ પાછી ન આપનાર ગઠિયાે ફરાર થઇ ગયો હતો. આ અંગે આરોપી સામે માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે. માંજલપુર પોલીસના જણાવ્યા અનુસાર, અટલાદરા ગામના કોઠી ફળિયામાં રહેતા દિનેશ સોલંકી (ઉ.વ.42)એ વર્ષ 2016માં ટોયોટા ઈનોવા કાર ખરીદી હતી. દિનેશભાઈની નિકેત દિપકભાઈ પટેલ (રહે. ગિરીરાજ ગ્રીન ફ્લેટ, કરચિયા)ની ઓળખાણ થઈ હતી.

નિકેત પટેલ વિદેશથી આવતાં એનઆરઆઈ પ્રવાસીઓ માટે ગાડી ભાડેથી ફેરવતો હોવાથી દિનેશ તેને પોતાની કાર ભાડે આપવા માગતો હતો. નિકેતે દિનેશ સોલંકીની કાર એનઆરઆઈના ટ્રાવેલ્સનું કામ કરતી એજન્સીને બતાવવી પડશે તેમ કહીને કારના ઓરિજિનલ પેપર્સ સાથે તે કાર લઈને સુરત લઈ ગયો હતો. જોકે સુરત ગયા બાદ ગાડી એક પાર્ટીને પસંદ પડી ગઈ હોવાથી રાખી હોવાનું અને પાછળથી ભાડાનો ચેક અને ભાડા કરાર કરી આપવાનું જણાવ્યું હતું.

જ્યારે 19 ડિસેમ્બર, 2019ના રોજ નિકેત પટેલે ફરિયાદી સાથે 6 મહિનાનો ભાડા કરાર ચૂકવીને રૂા.25 હજારનો ચેક આપ્યો હતો. જ્યારે બાકીના રૂપિયા પછી આપવા જણાવ્યું હતું. જોકે નિકેતે કાર લઈ જઈને ભાડું ન ચૂકવી છેતરપિંડી કરતાં ફરિયાદીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અરજીના આધારે પોલીસે નિકેત પટેલ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. પોલીસે વિવિધ લોકોની પૂછતાછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...