તપાસ:41.99 લાખની ઠગાઇમાં રેવન્યુ વિભાગનો પૂર્વ ડ્રાઇવર ઝડપાયો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અણખોલના ખેડૂતને જમીન ક્લીયર કરાવવાનું કહી ઠગ્યો
  • અાજવા રોડના જગદીશ ઉર્ફે જિગ્નેશને 2 દિવસના રિમાન્ડ

અણખોલની જમીન રેવન્યૂ વિભાગમાં ક્લિયર કરાવવાના બહાને ખેડૂત પાસેથી ત્રિપુટીએ રૂા.41.99 લાખ પડાવવાના કેસમાં તાલુકા પોલીસે એકની ધરપકડ કરી કોર્ટમાંથી 4 જૂન સુધીના રિમાન્ડ લીધાં છે. પોલીસ તપાસમાં આરોપી વર્ષ 2020માં નર્મદા ભુવન સ્થિત રેવન્યુ ઓફિસરનો ડ્રાઈવર હતો. અને ફાઈલ ક્લિયર કરાવવાના બહાને ફરિયાદીને છ વખત વિધાનસભા લઈ ગયો હોવાનું પણ બહાર આવ્યું છે.

તાલુકા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, અણખોલ ગામના વતની નારણભાઈ ખુશાલભાઈ પટેલ (હાલ રહે-વૈકુંઠ સોસાયટી,વાઘોડિયા રોડ)એ અણખોલ ગામની જમીન બાબતે કમલેશ ભાઈલાલ પટેલ અને અન્ય સાથે કોર્ટમાં વર્ષ 2017થી દાવો ચાલે છે. વર્ષ 2020માં ફરિયાદીના ભાણેજ પિયુષ દ્વારા જગદીશ ઉર્ફે જિગ્નેશ નરસિંહ પરમાર (રહે-કૃષ્ણનગર, આજવારોડ) નો સંપર્ક થયો હતો. જગદીશે પોતે કુબેરભુવનના છઠ્ઠા માળે આવેલા રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું.

તેને ગાંધીનગર રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી આ કેસનો નિકાલ કરી આપવાનું પણ જણાવ્યું હતું. જગદીશ ફરિયાદી પાસે શાહ સાહેબની ઓળખાણ લઈને આવ્યો હતો. અણખોલની જમીનના ફોટા પાડીને જમીન ક્લિયર કરાવી આપવા માટે રૂા.41.99 લાખ તબક્કાવાર લીધા હતાં. જગદીશ તેમજ રણજીત ઝાલા નામનો વ્યકિત ફરિયાદીને ગાંધીનગર સચિવાલય પણ લઈ ગયા હતાં. જ્યાં બે વ્યક્તિઓ સાથે ઓળખાણ કરાવી હતી. પરંતું ફરિયાદીને જગદીશ સરકારી કર્મચારી નથી તેવી જાણ થઈ જતા તેમને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસે જગદીશની ધરપકડ કરીને 4 જૂન સુધીના રિમાન્ડ લીધા છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...