વેમાલીના પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરે ફાયરિંગ કર્યાનો વીડિયો સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં લગ્નમાં ફોટોગ્રાફી કરનાર યુવકની પૂછપરછ કરી વીડિયોગ્રાફી કબજે લીધી હતી. તેમજ કોર્પોરેટર મોબાઇલ ફોનના સીડીઆર મગાવીને તપાસ હાથ ધરી છે.
સોમવારે ભાજપના પૂર્વ કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિનો લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ થતાં ભારે ખળભળાટ મચ્યો હતો. આ ઘટના વેમાલી ગામ નજીક આવેલા પાલખી પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાનની હોવાનું સપાટી પર આવતા તાલુકા પોલીસે જાણવાજોગ ફરિયાદ લઇ તપાસ શરૂ કરી હતી. જેમાં અગાઉ પાર્ટી પ્લોટના માલિક અને તેના ભાગીદારના નિવેદન પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે. જ્યારે આ બનાવમાં તાલુકા પોલીસે લગ્નમાં ફોટોગ્રાફીનો કોન્ટ્રાક્ટ લેનાર યુવરાજસિંહ નામના યુવકની પૂછપરછ કરી વીડિયોગ્રાફીની ફૂટેજ મેળવી છે.
તદુપરાંત પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિના મોબાઈલ સીડીઆર પણ મગાવ્યા છે. જેની તપાસ પોલીસે શરૂ કરી છે. પોલીસે અરવિંદ પ્રજાપતિનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો ઉતારનાર અને તેને વાઈરલ કરનાર યુવકની પણ શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આગામી દિવસોમાં તપાસ માટે નોટિસ આપીને અરવિંદ પ્રજાપતિને તાલુકા પોલીસ મથકે બોલાવશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ કોર્પોરેટરને બચાવવા માટે શહેર ભાજપનું મોટું માથું એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. તેવામાં તાલુકા પોલીસ એક પછી એક પુરાવા એકત્ર કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.