ફાઇન આર્ટસ ફેકલ્ટી વિવાદમાં સંકલન સમિતિએ સત્તાધીશોને રજૂઆત કરી હતી કે ફેકલ્ટી 3 દિવસ કેવી રીતે બંધ રાખવામાં આવી. ડીને ફરીયાદ કરી છે તો તેની જાણ કરી છે કે કેમ અને ચંદ્રમોહનના કેસનો રિપોર્ટનું શું થયું તેનો જવાબ માગ્યો હતો. બીજી તરફ મંગળવારે મળનારી સિન્ડિકેટની બેઠકમાં તપાસ સમિતિ પોતાનો રિપોર્ટ મૂકાશે. જેના પગલે ટીમ એસએસયુ-સંકલન સમિતિ વચ્ચે તડાફડીના એંધાણ છે.
એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં વિવાદિત આર્ટ વર્કના મુદે તપાસ સમિતિ દ્વારા સોમવારે સમગ્ર દિવસ દરમિયાન મેરોથોન બેઠક કરી હતી. મંગળવારે મળનારી બેઠકમાં રિપોર્ટ સોંપી દેવા માટે સમિતિએ વિવાદ થયો ત્યારથી સોમવાર સુધી સતત બેઠકો કરીને ફેકલ્ટીના અધ્યાપકો-વિદ્યાર્થીઓ તથા ઘટના સાથે જોડાયેલા લોકોના નિવેદનો લીધા હતા. ફાઇન આર્ટસ ફેકલ્ટીના ડીન જયરામ પોંડવાલના રાજીનામાને લઇને સંકલન સમિતિ અને ટીમ એમએસયુ વચ્ચે તડાફડીના એંધાણ છે.
ABVP સામેની ફરિયાદનો વિરોધ
ફાઇન આર્ટસ ફેકલ્ટી ખાતે તાજેતરમાં હિન્દુ દેવી દેવતા અપમાન કરતા ચિત્રો પ્રદર્શિત થવાના વિવાદમાં એબીવીપી સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તે અયોગ્ય છે હોવાનું એબીવીપી ગુજરાત પ્રાંત મંત્રી યુતિ ગજરેએ જણાવ્યું હતું. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થી પાસે બે કલાક સુધી સત્તાધીશો આવતા નથી અને પોલીસને બોલાવે છે. જયારે એબીવીપીના કાર્યકર્તાઓની સામે ઇરાદા પૂર્વક ફરિયાદ નોંધાવી છે.
ફાઇન આર્ટ્સમાં વિદ્યાર્થી ન આવ્યા
ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં સોમવારે વિદ્યાર્થીઓને નહિ આવવા માટેની સૂચના ફેકલ્ટી તરફથી અપાઇ હતી. કોઇ વિવાદ વધે નહિ તે માટે આ પ્રકારની સૂચના આપી હતી. જેના પગલે ફેકલ્ટીમાં અધ્યાપકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફેકલ્ટીનો ગેટ બંધ રખાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.