હાલાકી:સયાજીમાં એક્સ-રેનો રિપોર્ટ 5 કલાક સુધી ન આપતાં મહિલા દર્દી અટવાયાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા તબીબની આડોડાઈથી દર્દીને એક વિભાગમાંથી બીજામાં ધક્કા
  • આખરે પરિવારજનો મહિલા દર્દીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા

શહેરના આજવા રોડ નવજીવન પાસે અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને હાથમાં ઇજા પહોંચતાં સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે ત્યાં એક્સ-રે વિભાગમાં સંકલનના અભાવે અને મહિલા તબીબના જડ વલણના કારણે દર્દીને 5 કલાક સુધી હાલાકી પડી હોવાના આક્ષેપ થયા છે. આખરે પરિવારજનો દર્દીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

કોરોના જેવા કપરા કાળમાં સયાજી હોસ્પિટલની કામગીરીની પ્રશંસા કરાઈ રહી છે. જોકે એસએસજીમાં વિવિધ વિભાગના યોગ્ય સંકલનના અભાવને કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડતી હોય છે. સોમવારે આજવા રોડ પર રહેતા પરિવારને કડવો અનુભવ થયો હતો. આજવા રોડની અરિહંત સોસાયટીમાં પાર્થ પરમાર રહે છે. સોમવારે બપોરે પાર્થ અને તેમની 52 વર્ષિય માતા રસીલાબેન નવજીવન નજીકથી પસાર થતાં હતાં ત્યારે એકાએક બાઈકનું આગળનું વ્હીલ ચોંટી જતાં તેઓ રોડ પર પટકાયાં હતાં.

આ ઘટનામાં રસીલાબેનને હાથમાં ઈજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં લઈ જવાયાં હતાં. જ્યાં સારવાર કરવાની જગ્યાએ તેમને ઓપીડીમાં મોકલાયાં હતાં. જોકે ઓપીડી વિભાગ 4 વાગ્યે ખૂલતો હોવાથી અસહ્ય દર્દ સાથે એક કલાક રાહ જોવી પડી હતી. એક કલાક બાદ ઓપીડી વિભાગ ખૂલતાં તેમણે તબીબને બતાવ્યું હતું. જેમાં તેઓ એક્સ-રે પડાવવા માટે એક્સ રે વિભાગમાં ગયાં હતાં. જ્યાં એક્સ-રે પાડ્યા બાદ તેમની સારવાર કરાઈ હતી.

જોકે ત્યારબાદ ફરીથી એક્સ-રે પાડવાનું કહેતાં તેઓ ફરીથી એક્સ-રે વિભાગમાં ગયાં હતાં. જ્યાં ફરીથી એક્સ-રે પડાવી રસીલાબેનને રિપોર્ટ લેવા એક્સ-રે વિભાગમાં જવા જણાવાયું હતું. જોકે ત્યાં હાજર ડો. ખુશ્બુ નામનાં મહિલા તબીબે રિપોર્ટ ન આપી એક વિભાગથી બીજા વિભાગમાં 5 ધક્કા ખવડાવ્યા હતા. અંતે 5 કલાક સુધી ધક્કા ખાઈ થાકી ગયેલા રસીલાબેનને પરિવારજનોએ કારેલીબાગની ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાવી હતી.

ઓર્થોનાં તબીબ સાથે વાત કરાવી છતાં રિપોર્ટ ન આપ્યો
ઇજાગ્રસ્ત મહિલાના પુત્ર પાર્થ પરમારના જણાવ્યા અનુસાર વારંવાર ધક્કા ખાધા બાદ માતાને લઈને તે રિપોર્ટ લેવા માટે ગયો હતી. ત્યાંથી ઓર્થો વિભાગના તબીબ ડો. શૈલીન સાથે મહિલા તબીબ ડો. ખુશ્બૂ સાથે ફોન પર વાત કરાવી હતી. તેમ છતાં ડો. ખુશ્બુ માન્યા ન હતા અને રિપોર્ટ ન આપતા તેઓને ખાનગી હોસ્પિટલમાં જવા ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...