હાલોલ તાલુકાના અમરાપર ગામે રહેતા 70 વર્ષીય પ્રતાપ બારિયાને દારૂ તેમજ બીડી પીવાની ટેવ હોવાને કારણે તેમનો પુત્ર તેમની આ લત છોડાવવા વડોદરા તેની સાથે રહેવા માટે લઈ આવ્યો હતો. છેલ્લા કેટલાય દિવસથી તેમને દારૂ પીવાનું સદંતર બંધ કરાવતાં તેઓ વારંવાર પુત્રને આપઘાત કરવાની અથવા ગામડે ભાગી જવાની ચીમકી ઉચ્ચારતા હતા.
દરમિયાન મંગળવારે સવારે 9 વાગ્યાના અરસામાં પુત્રના વાસણા રોડના પંચમુખી હાઉસિંગ ખાતે આવેલા મકાનમાં પ્રતાપભાઈએ ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી નાખી હતી. બનાવ અંગે જે.પી. રોડ પોલીસ દ્વારા નોંધ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય બનાવમાં આજવા રોડના સયાજીપાર્ક પાસે આવેલા અંબિકા દર્શન વિભાગ-1માં રહેતા 48 વર્ષીય જશવંતભાઈ શિનોરાએ 14 તારીખે બપોરે પોતાના ઘરે દુપટ્ટા વડે પંખા સાથે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી હતી.
બનાવ અંગે તપાસ કરી રહેલી બાપોદ પોલીસ દ્વારા જણાવ્યા મુજબ જશવંતભાઈ સિક્યુરિટીમાં કોન્ટ્રાક્ટ પર નોકરીએ જતા હતા. 14 તારીખે તેમની પત્ની પિયર ગઈ હતી, પુત્ર તેમજ પુત્રવધૂ નોકરી પર ગયાં હતાં ત્યારે તેમણે આ પગલું ભર્યું હતું. આપઘાતનું કારણ જાણી શકાયું નથી. બનાવની તપાસ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.