ગોધરા-વડોદરા મેમૂ ટ્રેનમાં સફેદ પેન્ટ-શર્ટ અને ટાઈ પહેરેલો શખ્સ ટિકિટ ચેક કરતાં આરપીએફના હાથે ઝડપાઈ ગયો હતો. નકલી ટીટીઇએ અસલી એએસઆઇને તતડાવ્યા હતા કે, પોલીસ છો તો શું થઈ ગયું, ટિકિટ તો બતાવવી પડશે. રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.
રેલવે પોલીસ ગોધરામાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરપીએફ ઇન્ટેલિજન્સ (ગોધરા)ના એએસઆઈ મુકેશ યાદવ ગુપ્ત માહિતી માટે 14 એપ્રિલે સાંજે ગોધરાથી વડોદરા-ગોધરા મેમૂ ટ્રેનમાં આવી રહ્યા હતા. દરમિયાન અપડાઉન કરતા તેમજ અન્ય મુસાફરોએ શંકાસ્પદ ટિકિટ ચેકર અંગે ફરિયાદ કરતાં મુકેશ યાદવે તપાસ કરી હતી. જેમાં સફેદ પેન્ટ અને શર્ટમાં સજ્જ એક મહાશય નજર ચડ્યા હતા, જે એક મુસાફર સાથે ટિકિટ માગી રકઝક કરી રહ્યા હતા. તે વેળા મુકેશ યાદવે ચેકર પાસે તેમનું ઓળખપત્ર માગતાં મહાશય એવું કહેવા લાગ્યા હતા કે, હું રેલવેનો નિવૃત્ત કર્મચારી છું અને ઓળખપત્ર ઘેર ભૂલી ગયો છું. મુકેશ યાદવે શંકાસ્પદ લાગતા ટીટીઇને એક કોચમાં બેસાડી વડોદરા રેલવે પોલીસને સોંપી દીધો હતો.
બનાવ ગોધરા રેલવે પોલીસની હદમાં બનેલો હોવાથી શંકાસ્પદ લાગતા ટીટીઈ મનહર ડાહ્યાભાઇ (ઉ.વ.50, ગુરુકૃપા સોસાયટી, બાજવા) ગોધરા પોલીસને સોંપાયો હતો. જ્યાં તેનો 10 હજારના જામીન પર છુટકારો થયો હતો. જોકે ગોધરા પોલીસને નકલી ટીટીઈએ નિવેદનમાં જણાવ્યું કે, હું તો લગ્નમાં ગયો હતો અને મારી સાથેના પરિવારની બધાની ટિકિટો લીધેલી છે. પોલીસને પણ તેના નિવેદનથી અચરજ થયું હતું.
2 મહિનાથી ટિકિટ ચેકિંગ કરતો હતો
રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ નકલી ટીટીઈ છેલ્લા 2 મહિનાથી છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે વહેલી આવી જતી સુપરફાસ્ટ ટ્રેનના જનરલ કોચમાં ટિકિટ ચેકિંગ કરતો હોવાની ફરિયાદ મળી હતી. જોકે તે ટિકિટ ચેકર મનહર જ હતો કે કેમ તે રેલવેની તપાસમાં બહાર આવશે.
નકલી ટિકિટ ચેકર પાસ હોલ્ડર યાત્રીના પાસ પર શેરો મારતો હતો
ટીટીઈના ગણવેશમાં ટિકિટ ચેકિંગ કરતો મનહર ગોધરા-વડોદરા મેમૂ ટ્રેનમાં રેલવે પોલીસના એએસઆઈ સાથે ભિડાઈ ગયો હતો. જવાને કહ્યું કે, હું રેલવે પોલીસમાં છું, તો મનહરે કહ્યું કે, પોલીસમાં છો તો શું થઇ ગયું, ટિકિટ તો બતાવવી પડશે. નકલી ટિકિટ ચેકરે પાસ હોલ્ડરોના પાસ પર પણ શેરો માર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.