વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પિન્ક એવન્યુમાં રહેતા એન્જિનિયરના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત પાર્કિંગમાંથી બાઇક પણ ચોરાઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.
પાડોશીએ ફોન કરીને જાણ કરી
માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સરસ્વતી ચાર રસ્તા પાસે પિન્ક એવન્યુમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા પ્રણવકુમાર કિરણભાઇ દરજી ગઇકાલે ઘર બંધ કરીને સાસરી આણંદના ગામડી ગામે ગયા હતા. દરમિયાન આજે સવારે તેમના પાડોશીએ સવારે 6 વાગ્યે ફોન કરીને તેમને જાણ કરી હતી કે, તેમના ઘરની જાળીનું લોક તૂટેલું છે અને તિજોરીના બારણા ખુલ્લા છે. તેમજ ઘરનો બધો સામાન પણ વેરવિખેર છે.
બાઇક પણ ગુમ હતું
ઘરે આવીને તપાસ કરતા પ્રણવકુમાર દરજીને જાણ થઇ હતી કે, તેમના ઘરમાંથી તેમના બાઇકની ચાવી પણ ગુમ છે અને પાર્કિંગમાં બાઇક પણ ગુમ હતું. જેથી અજાણ્યો ચોર ઘરમાંથી સોનાની ત્રણ વીંટી, ચાંદીના ત્રણ સિક્કા, ગણપતિ, લક્ષ્મી અને સરસ્વતીમાતાની ચાંદીની મૂર્તી, રોકડા 30 હજાર તેમજ બાઇક મળી 1 લાખ 10 હજારની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.