ત્રણ વર્ષના પુત્રના પગની સારવાર માટે વાઘોડિયા ગયેલા સુભાનપુરાના પરિવારના બાઇકનો કાર સાથે અકસ્માત થતાં 9 વર્ષના પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે શહેરના સુભાનપુરા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ હતી.
શહેરના સુભાનપુરા વિસ્તાર ખાતે રહેતા નરેન્દ્રભાઈ કાંતિલાલ વસાવા છુટક નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનાં 2 બાળકો પૈકી નાના પુત્રને પગે ચાલવાની તકલીફ છે. શુક્રવારે તેઓ પત્ની ઉષા અને તેમનાં 2 સંતાનો 9 વર્ષના પારસ અને 3 વર્ષના વંશને લઈ બાઈક પર વાઘોડિયા ગયા હતા. ત્યાંથી સાંજે 4-30 વાગ્યાના અરસામાં વાઘોડિયાની ધીરજ હોસ્પિટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા.
દરમિયાન સામેથી વડોદરાથી વાઘોડિયા જતી અર્ટિકા કારના ચાલકે કાબૂ ગુમાવતાં ડિવાઇડર કૂદી કાર સામેથી પસાર થતા નરેન્દ્રભાઈના બાઈક સાથે અથડાઈ હતી, જેને પગલે કાર સવાર દંપતી અને નરેન્દ્રભાઈનો પરિવાર ઇજાગ્રસ્ત બન્યો હતો. અકસ્માતમાં અડધો ડઝન જેટલા લોકો ઘાયલ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન 9 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથકના પીએસઆઇ સતિષભાઈ જણાવ્યા મુજબ કારચાલક દંપતી વડોદરા પાર્સિંગની કાર લઈને જઈ રહ્યું હતું, પરંતુ કયા કારણોસર કાબૂ ગુમાવ્યો તે આરટીઓની તપાસ બાદ બહાર આવશે. કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલના તબક્કે કારચાલક દંપતી પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માત ગ્રસ્ત 6 લોકોમાંથી 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.