દિલ્હી પલ્બીક સ્કૂલ કલાલી દ્વારા વિદ્યાર્થીને મસ્જીદની મુલાકાતે લઇ જવા માટે વાલીઓની સંમતિ માંગતો પત્ર મોકલતા ભારે હોબાળો મચી ગયો છે. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોને આ અંગે વાલીઓએ જાણ કરતાં કાર્યકરો સ્કૂલ ખાતે ધસી ગયા હતા. મેનજમેન્ટે વીએચપીના કાર્યકરોને મળવાની ના પાડી દેતા સ્કૂલ બહાર રામધૂન શરૂ કરી દીધી હતી.
કલાલી ખાતે આવેલી દિલ્હી પબ્લીક સ્કૂલ દ્વારા વાલીઓને બાળકોને 5 ઓગષ્ટે શુક્રવારના દિવસે મસ્જીદ ખાતે મુલાકાત કરાવવાનું આયોજન કર્યું હતું. જે માટે વાલીઓની સંમતિ લેવા માટે પત્રક પણ મોકલવામાં આવ્યું હતું. જેના કારણે વાલીઓ પણ ચોંકી ઉઠયા હતા. વાલીઓ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વીએચપીના કાર્યકરો સ્કૂલ ખાતે ધસી ગયા હતા.
માંજલપુર વીએચપીના અધ્યક્ષ ધર્મેશ શર્માએ જણાવ્યું હતું કે, વીએચપીના કાર્યકરો સ્કૂલ પર પ્રિન્સીપાલને મળવા માટે ગયા હતા. જોકે તેમણે મળવા માટેની ના પાડી દીધી હતી. ત્યારબાદ વીએચપીના કાર્યકરો દ્વારા સ્કૂલની બહાર રામધૂન કરીને વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. સતત અડધો કલાક સુધી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્કૂલની બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેના પગલે સ્કૂલના પ્રીન્સીપાલ એ.કે.સિન્હાએ એમને મળવા માટે બોલાવ્યા હતા.
વીએચપીના કાર્યકરે જણાવ્યુ હતું કે, પ્રીન્સીપાલને આ અંગે પૂછતા તેમણે સંતોષકારક જવાબો આપ્યા ના હતા. અમે તેમને કહ્યું હતું કે, આ કેજીના બાળકો નાદાન હોય છે. તેમને કોઇ પણ ધાર્મિક સ્થળની જગ્યાએ ગાર્ડન, મ્યુઝિયમ, બરોડા ડેરી , પોલીસ સ્ટેશન જેવી જગ્યાએ વીઝીટ કરવા લઇ જાવ. કોઇ પણ સંજોગોમાં આ પ્રકારનું કૃત્ય ચલાવી લેવામાં આવશે નહિ.
સ્કૂલના પ્રીન્સીપાલે મેનજમેન્ટ સાથે વાત કરીને આ પ્રોગામ કેન્સલ કરાવી દેવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. વીએચપીના કાર્યકરે જણાવ્યું હતું કે, બુધવારે ફરી એકવાર સ્કૂલ ખાતે પ્રિન્સીપાલ સાથે આ મુદ્દે વાતચીત કરવામાં આવશે. સ્કૂલ મેનેજમેન્ટ દ્વાર શું નિર્ણય લેવામાં આવ્યો છે તેની જાણકારી મેળવવામાં આવશે. આ ઘટના અંગે દિલ્હી પબ્લીક સ્કૂલ કલાલીના પ્રિન્સીપાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ તેમનો સંપર્ક થઇ શકયો ના હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.