પરંપરા બદલાઈ:શ્રાદ્ધ પક્ષની દાન પરંપરા બદલાઈ, વાસણોનું સ્થાન હવે ગેઝેટ્સે લીધું

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ તાંબા-પિત્તળના વાસણો અપાતા
  • વાસણની​​​​​​​ દુકાનોમાંથી નામ લખતા મશીનોનો કર્કશનો અવાજ પણ ઓછો સંભળાય છે

10 સપ્ટેમ્બરથી મહાલયા શ્રાદ્ધનો મહિનો શરૂ થઈ રહ્યો છે. શ્રાદ્ધ પક્ષમાં પરિવારો પોતાના પિતૃઓ માટે વાસણો સહિત અનેક ચીજવસ્તુઓનું દાન કરતા હોય છે. જેમાં ચાર દરવાજા વિસ્તારમાં આવેલા કંસારા બજારમાં શ્રાદ્ધ પક્ષમાં વાસણો ખરીદવા માટે ભીડ સર્જાતી હોય છે.વેપારીઓના મતે છેલ્લા પાંચ વર્ષોથી મોંઘવારીના કારણે લોકો પિત્તળ-કાંસાના વાસણો છોડીને રોજિંદા જીવનમાં ઉપયોગી નોનસ્ટીક, ઈલેક્ટ્રિક, કાચની ક્રોકરી ચીજવસ્તુઓ તેમજ પ્લાસ્ટિકની પાણીની બોટલો તરફ વળ્યાં છે. જેનાથી હવે દુકાનોમાં વાસણો પર નામ લખવા માટે જે મશીનોનો કર્કશ અવાજ આવતો હતો તે પણ ઓછો થઈ ગયો છે.

શહેરના વાસણ બજાર એસોસિએશનના પ્રમુખ ધવલ શાહે જણાવ્યું હતું કે, વડોદરામાં એસોસિએશન સાથે જોડાયેલા 160 મેમ્બરો છે.જ્યારે શહેરમાં 250 જેટલી વાસણોની દુકાનો આવેલી છે. શ્રાદ્ધ પક્ષમાં પહેલા દાનમાં આપવા તાંબા-પિત્તળના વાસણો અપાતા હતા.જેની પર મશીનથી કયા પરિવાર દ્વારા આપવામાં આવે છે તેનું નામ પણ અંકિત કરવામાં આવતું હતું. જોકે હવે મોંઘવારીમાં કાંસા-પિત્તળના વાસણો મોઘા થઈ ગયા છે. કાંસાની થાળી-વાડકી સહિત સંપુર્ણ સેટનો ભાવ રૂા.4 હજારથી પણ વધુનો થઈ ગયો છે.જેથી રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી મિક્સર,નોનસ્ટિક અને ગેઝેટ્સે જેવી વસ્તુઓની ડીમાન્ડ વધી છે.

પિતૃઓ પાછળ જળ પાત્રો આપવાનો મહિમા
શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ પાછળ દાનમાં જળ પાત્રો આપવાનો મહિમા રહેલો છે, જેમાં માટીના ઘડા,પ્લાસ્ટિકની બોટલ,સ્ટીલનો નળો, પિત્તળનો ઘડો, કાસાના જળ પાત્રો લોકો દાનમાં આપતા હોય છે.

15 હજારનું રોજિંદુ વેચાણ 5 હજાર થઇ ગયું
વાસણના વેપારીએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલાં શ્રાદ્ધ પક્ષમાં ભાવ ઓછા હોવાથી પિત્તળ,કાંસાના વાસણો લોકો ખરીદતા હતા અને રોજ રૂા.15 હજાર સુધીનો વકરો થતો હતો. હવે માંડ રૂા.5 હજાર સુધીનું વેચાણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...