બરોડા ડેરીના વિવાદનો અંત:પ્રદેશ ભાજપ પ્રમુખ સાથેની ડેરીના ચેરમેન અને MLAની બેઠકમાં વિવાદનો ઉકેલ આવ્યો, માર્ચ-2022 સુધીમાં પશુપાલકોને ભાવ ફેરના રૂ. 27 કરોડ ચૂકવાશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ(ફાઇલ તસવીર) - Divya Bhaskar
ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ(ફાઇલ તસવીર)
  • ભાજપના MLA કેતન ઇનામદારે પશુપાલકોને ભાવ ફેર આપવાની માગ સાથે બરોડા ડેરી સામે આંદોલન શરૂ કર્યું હતું
  • પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપના નેતાઓને ખુશ કરીને રવાના કરી દીધા

બરોડા ડેરીના પશુપાલકોને ભાવ ફેરમાં વધારો આપવાની માગ સાથે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ગુરુવારે હલ્લાબોલનું એલાન આપ્યું હતું. જોકે, આજે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ, બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ(દિનુ મામા) અને કેતન ઇનામદાર સહિતના ધારાસભ્યો વચ્ચે મળેલી બેઠકમાં વિવાદનો ઉકેલ આવ્યો છે અને માર્ચ-2022 સુધીમાં બરોડા ડેરી પશુપાલકોને 27 કરોડને ચૂકવશે તેવો નિર્ણય લેવાયો છે. જેને પગલે બરોડા ડેરીના વિવાદમાં સમાધાન થઇ ગયુ છે. આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપના નેતાઓને ખુશ કરીને રવાના કરી દીધા હતા.

ધારાસભ્યોને નો રિપીટ થીયરીનો ડર છે
રાજ્યના નવા મંત્રી મંડળમાં નો રીપીટ થિયરીનો અમલ કરાયો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ જો આ થિયરીનો અમલ થાય તો ઘણા બધાની વિકેટ ડુલ થઈ જાય તેમ છે. ચૂંટણીના સવા વર્ષ પહેલા બરોડા ડેરીના પશુપાલકોનો મુદ્દો આગળ ધરીને ચલાવાતી લડતમાં જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યો એકજૂટ થયા હતા ત્યારે નો રીપીટ થિયરી નો ડર છે કે પછી સહકારી સંસ્થાઓમાં આધિપત્ય જમાવવા માટેનો ખેલ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

બરોડા ડેરી(ફાઇલ તસવીર)
બરોડા ડેરી(ફાઇલ તસવીર)

મંગળવારે પશુપાલકોની અટકાયત કરાઇ હતી
મંગળવારે વહેલી સવારે કલેક્ટરને આવેદન આપવા નીકળેલા સાવલીના ધારાસભ્યના ભાઈ સહિત 15 પશુપાલકોની દુમાડ ચોકડી પાસે અટકાયત કરાઇ હતી. કેટલાક પશુપાલકોએ સર્કિટ હાઉસ પહોંચી જઇને સૂત્રોચ્ચારો કરતા પોલીસ સાથે તડાફડી પણ થઈ હતી અને પોલીસે સર્કિટ હાઉસના ગેટ પણ બંધ કરાવી દીધા હતા. એટલુ જ નહીં, માસ્ક વગરના લોકોના નિવેદન લેવાની પણ ચીમકી અપાઇ હતી.

કેતન ઇનામદારે ડેરી સામે આંદોલન શરૂ કર્યું
15 દિવસ અગાઉ બરોડા ડેરીમાં પશુપાલકોને વધારાનો ભાવ ચૂકવવા માટે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે લડત ઉપાડી ડેરીના વહીવટ સામે આંગળી ચીંધી હતી જેના પગલે ભાજપમાં ભડકો થયો હતો. જોકે, વડોદરા જિલ્લાના પ્રભારી અને સાંસદે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો અને તેના માટે બરોડા ડેરીના ચેરમેન દિનુમામા અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સમાધાન થયું હોવાનું સ્વીકાર્યું હતું. જેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ડેરીના પશુપાલકોને વધારાનો ભાવ ફેર આપવા માટે ડેરીના ચેરમેન તરફથી સંમતિ આપવામાં આવી છે. પરંતુ. બરોડા ડેરીની સામાન્ય સભામાં આ મામલે કોઇ નિર્ણય ન લેવા તો મામલો બિચક્યો હતો.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપના નેતાઓને ખુશ કરીને રવાના કરી દીધા
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપના નેતાઓને ખુશ કરીને રવાના કરી દીધા

બરોડા ડેરીમાં હલ્લાબોલ કરવાનું એલાન આપ્યું
જેના પગલે સાવલીના કેતન ઇનામદારે ગુરુવારે બરોડા ડેરીમાં હલ્લાબોલ કરવાનું એલાન આપ્યું હતું અને તેમના સમર્થનમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કરજણના અક્ષય પટેલ અને ડભોઇના શૈલેષ મહેતા આવ્યા હતા. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી મેરેથોન બેઠક બાદ મોડી સાંજે ત્રણ ધારાસભ્યો ગાંધીનગર ગયા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું તેડું આવતા શૈલેષ મહેતા પહેલા ગયા ગયા અને કેતન ઇનામદાર અને અક્ષય પટેલ જોડે ગયા હતા. જ્યાં 45 મિનિટ સુધી બરોડા ડેરીના વહીવટ પર માછલા ધોવામાં આવ્યા હતા અને પશુપાલકોને નુકસાન થતું હોવાની લાગણી વ્યક્ત કરવાની સાથોસાથ ડેરીના સત્તાધીશો મનસ્વી નિર્ણય લેતા હોવાનું પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ રજૂઆતમાં પ્રદેશ પ્રમુખે હકારાત્મક નિર્ણય લેવાની ખાતરી આપી હતી અને આજે સવારે બરોડા ડેરીના ચેરમેન દિનુમામા અને વાઇસ ચેરમેન જીબી સોલંકીને હાજર રહેવા તેડું મોકલ્યુ હતું.

બરોડા ડેરીના વિવાદનો અંત
આજે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ, બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ(દિનુ મામા) અને કેતન ઇનામદાર સહિતના ધારાસભ્યો વચ્ચે મળેલી બેઠકમાં વિવાદનો ઉકેલ આવી ગયો છે અને માર્ચ-2022 સુધીના બરોડા ડેરી પશુપાલકોને 27 કરોડને ચૂકવશે તેવો નિર્ણય લેવાયો છે. જેને પગલે બરોડા ડેરીના વિવાદમાં સમાધાન થઇ ગયુ છે.

અન્ય સમાચારો પણ છે...