ઉદ્યોગકારોની મંત્રીને રજૂઆત:વડોદરાની GIDCના વિકાસ માટે પ્રાથમિક સુવિધાઓ, અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે જીઆઇડીસીના પ્રતિનિધિની બેઠક. - Divya Bhaskar
રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે જીઆઇડીસીના પ્રતિનિધિની બેઠક.
  • ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે યોજાયેલી બેઠકમાં વડોદરાની જીઆઇડીસી અને એસ્ટેટના હોદ્દેદારોએ પ્રશ્નો રજૂ કર્યા
  • ગોરવાની 7 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે એક થઇ હવે ગોરવા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એસોસિયેશનના નામે ઓળખાશે

વડોદરામાં એમએસએમઇ અને એસએમઇ ઉદ્યોગો, જીઆઇડીસીઓ અને ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના વિકાસમાં અને ભારતના 5 ટ્રિલિયન ઇકોનોમીના સ્વપ્નને સાકાર કરવા રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રકચરનું નવીનીકરણ અને અપગ્રેડેશન કરવું જરૂરી છે. વડોદરાની મુલાકાતે આવેલા રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા સમક્ષ જીઆઇડીસીના પ્રતિનિધિની બેઠકમાં આ અંગે રજૂઆત કરી હતી. ગોરવાની 7 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટે પ્રશ્નોના ઉકેલ માટે એક થઇ નવું એસો. બનાવ્યું છે. આ નિમિત્તે જગદીશ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે આવ્યાં હતા. ગોરવા બીઆઇડીસીના અમીત ઠાકરે જણાવ્યું કે, વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની રોડ, પાણીની લાઇન, ગટર, સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યા એક પ્રકારની હોવાથી ગોરવા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એસો.ના માધ્યથી એક વિસ્તાર તરીકે તેનો વિકાસ કરવા પ્રયાસ કરશે.

જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, તમારા પ્રાયોરિટીના પ્રશ્નો પહેલાં જણાવો જેથી ઝડપી ઉકેલ આવી શકે. સરદાર એસ્ટેટ, વીસીસીઆઇ અને મકરપુરા જીઆઇડીસી તથા ડભોઇ-પાદરાના ઉદ્યોગોના પ્રશ્નોના ઉકેલ માટે કામગીરી કરવાની ઉદ્યોગકારોને હૈયાધારણ આપી હતી.

કયા જીઆઇડીસી-એસ્ટેટના પ્રતિનિધિઓએ મંત્રી સમક્ષ કઇ કઈ રજૂઆતો કરી?

ડબલ ટેક્સેશનને દૂર કરો
મકરપુરા જીઆઇડીસીમાં પાલિકા-જીઆઇડીસી બંને વેરો લે છે પણ પ્રાથમિક સુવિધાના કામ પાલિકા કરતી નથી. પાલિકા 30થી 35 કરોડ વેરો લે છે, જેના 75 રકમ જીઆઇડીસીને ફાળવાય તો જરૂર મુજબના કામ જાતે કરી શકીએ. - જગદીશ ગોહિલ, વીસીસીઆઇ

ગટર અને પાણીની સમસ્યા
સરદાર એસ્ટેટમાં વપરાશના પાણીનો પ્રશ્ન છે, પીવાના પાણીનો નહીં. પાલિકામાં અરજી કરી રહ્યા છીએ. કેટલાક નેતા આ બાબતે રસ લઇ રહ્યા છે. વારંવાર મીટિંગો પણ થઇ છતાં કોઇ સમસ્યાનો ઉકેલ આજ સુધી આવ્યો નથી. - જગદીશ પટેલ, સરદાર એસ્ટેટ, વાઇસ ચેરમેન

​​​​​​​દુર્ઘટના અંગે માલિક માટે પ્રોટોકોલ બનાવો
​​​​​​​એમએસએમઇ કે એસએમઇમાં દુર્ઘટના થાય છે ત્યારે તેના માલિક સાથે કોઇ ગુનેગાર હોય તેવું વર્તન કરાય છે. આ માટે પ્રોટોકોલ બનાવવો જરૂરી છે. આ દિશામાં સરકાર દ્વારા નક્કર મદદ થાય તે જરૂરી છે. ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધામાં જે જૂની એસ્ટેટ છે તેનું નવીનીકરણ કે અપગ્રેડેશન પણ જરૂરી છે. - અભિષેક ગંગવાણી, પ્રમુખ, એફજીઆઇ

​​​​​​​EPR રજિસ્ટ્રેશનનો ગાળો લંબાવો
​​​​​​​પ્લાસ્ટિક ઉદ્યોગકારો માટેના એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી રજિસ્ટ્રેશન માટે મુશ્કેલી પડી રહી છે. કેટલાક માસ માટે જ રજિસ્ટ્રેશન કરાય છે. જે વધુ સમય માટે થવા જોઇએ. આ પ્રશ્નનો સત્વરે હલ જરૂરી છે. - જયકાંત નાણાવટી, પ્રમુખ, વડોદરા પ્લાસ્ટિક એસો.

12થી 18% ટેક્સથી નફો ઘટે છે
વેપારીઓ અને ઉદ્યોગકારોનો નફો 20થી 25 ટકા હોય છે. જે માટે અગાઉથી 12થી 18 ટકા ટેક્સ ચૂકવવો પડે છે. જેથી નફો ખૂબ ઘટી જાય છે. ધંધામાં 90 દિવસનું ટર્ન ઓવર હોય ત્યારે આ બાબત મહત્ત્વની થઇ જાય છે. - ભાસ્કર પટેલ, સીજીસીટીસી

​​​​​​​સામાજિક જરૂર વેળા ઉદ્યોગકારો આગળ રહ્યા છે
ભાજપના શહેર અધ્યક્ષ ડો.વિજય શાહે જણાવ્યું કે, વડોદરાને સામાજિક જરૂર ઊભી થઇ છે ત્યારે સીએસઆર પ્રવૃત્તિમાં ઉદ્યોગકારો આગળ રહ્યાં છે. તેથી તેમના પ્રશ્નોના ઉકેલના મુદ્દે પણ સરકાર ઝડપી કાર્યવાહી કરે તે જરૂરી છે. આ પ્રસંગે ડેપ્યૂટી મેયર નંદા જોશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ સહિત જીઆઇડીસીના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...