તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ગણેશોત્સવમાં ડીજેની પરવાનગી અંગે કોર કમિટીની બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવાશે

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્ય મંત્રીની સ્પષ્ટ વાત
  • રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતાં તત્ત્વો અને વ્યાજખોરો સામે કડક પોલીસ કાર્યવાહીના સંકેત

ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઉજવણી માટે વડોદરા આવેલા રાજ્યગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ 10 સપ્ટેમ્બર થી શરૂ થનારા ગણેશોત્સવમાં ડી.જે વગાડવા માટે પરમીશન અંગે રાજ્ય સરકારની કોર કમીટીની બેઠકમાં ચર્ચા કરવાનું જણાવ્યું હતું. ગૃહમંત્રીએ રાષ્ટ્ર વિરોધી તત્વો સામે કાર્યવાહી કરવા અંગે પણ જણાવ્યું હતું.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે.ગુજરાતમાં શાંતિ,સલામતી અને સુરક્ષા માટે રાજ્યનો ગૃહ અને પોલીસ વિભાગ કટિબદ્ધ છે.રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી કાયદો અને વ્યવસ્થા જાળવવાના પગલે લોકોએ શાસન વ્યવસ્થામાં વિશ્વાસ મૂક્યો છે.રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા તત્વો સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત 1600 કી.મી.નો દરિયાઈ વિસ્તાર ધરાવે છે,ત્યારે દરિયાઈ સુરક્ષા માટે પણ વ્યાપક પગલાં લેવામાં આવ્યા છે. રાજયમાં વ્યાજખોરીના દૂષણને ડામવા વ્યાજખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.તેમ તેમણે ઉમેર્યું હતું. ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમીની ઉજવણીની ગાઈડ લાઈન સરકારે જાહેર કરી છે. ગણેશ ઉત્સવમાં ડી.જે.વગાડવા અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આ પ્રકારની બાબતોની કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...