દુર્ઘટના:નિલાંબર બેલેસીમો સાઇટના ચોથે માળથી પટકાયેલા યુવાનનું મોત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવાસી-ભાયલી રોડ પર પ્લમ્બિંગનું કામ કરતો હતો
  • મૃતક શ્રમજીવી યુવકે સેફ્ટીનાં સાધનો પહેર્યાં ન હોવાનું પોલીસ તપાસમાં સપાટી પર આવ્યું

ભાયલી-સેવાસી રોડ પર આવેલી નિલાંબર બેલેસીમો નામની નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટના ચોથા માળેથી નીચે પટકાતાં શ્રમજીવી યુવકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટના સંદર્ભે પહોંચેલી ગોત્રી પોલીસે મૃતદેહને જોતાં તેણે સેફ્ટીનાં સાધનો પહેર્યાં નહતાં. પોલીસે મૃતદેહને એસએસજી ખાતે પોસ્ટમોટર્મ માટે મોકલી આપ્યો હતો. પોલીસે બનાવના સંબંધમાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાયલી-સેવાસી રોડ પર હાલમાં નિલાંબર બેલેસીમો 03 નામની કન્સ્ટ્રક્શન સાઈટ નિર્માણ પામી રહી છે. ત્યાં પ્રિયા ટોકીઝ પાસે નિલાંબર એડીફિસ પાસે આવેલી લેબર કોલોનીમાં મૂળ લીમખેડા તાલુકાના નિશાળ ફળિયામાં રહેતો 24 વર્ષનો અનિલ ભારત ડામોર રહેતો હતો. તે પ્લમ્બિંગનું કામ કરતો હતો. તેના પરિવારમાં પત્ની છે, જે લીમખેડા તેના વતનમાં રહે છે. શનિવારે સવારે અનિલ ડામોર ચોથા માળે ફ્લેટ નંબર 404ના પ્લમ્બિંગ ડકટમાં કામ કરી રહ્યો હતો તે સમયે તે એકાએક પ્લમ્બિંગ ડકટની સાંકડી જગ્યામાંથી નીચે પટકાયો હતો. અનિલ ચોથા માળેથી અનેક જગ્યાએ ધસડાઈ નીચે પટકાતાં તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે ગોત્રી પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગોત્રી પોલીસ મથકના તપાસ અધિકારી પ્રતિપાલસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે અનિલને સ્થળ પરથી બહાર લાવવામાં આવ્યો હતો. જેણે કોઈ પણ પ્રકારનાં સેફ્ટીનાં સાધનો ન પહેર્યાં હોવાનું જણાઇ આવ્યું હતું. આ પ્રકરણમાં વિવિધ લોકોના નિવેદનો લેવાશે. ઘટનાના તમામ પાસાંઓનું બારીકાઈથી નીરીક્ષણ કરાશે.તમામ બાબતોની ગહનતાથી તપાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...