વડોદરા શહેરમાં રક્ષાબંધનના 15 દિવસ પહેલાં જ બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો છે, જેને પગલે બહેને આક્રંદ કર્યું હતું અને જણાવ્યું હતું કે 'મારા વીરા, હવે હું કોને રાખડી બાંધીશ.' વડોદરામાં દવા લેવા નીકળેલા બે મિત્રોની બાઇક ફતેગંજ સર્કલ નજીક સ્લિપ થઈને ડિવાઈડર સાથે ભટકાઈ હતી, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સયાજી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબોની હડતાળને પગલે તેને પરત વડોદરા લાવતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
તબીબોની નિષ્કાળજીને કાળજીને કારણે મારો ભાઈ ગુમાવ્યો છે
મૃતક યુવાનના પિતરાઇ ભાઇ વિશાલ પરમારે જણાવ્યું હતું કે તબીબોની હડતાળને કારણે મારા ભાઇને સમયસર સારવાર ન મળતાં તેનું મોત થયું છે, સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા, પણ કોઇ ડોક્ટર તેની સારવાર કરવા માટે તૈયાર નહોતા. ત્યાર બાદ અમે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યાં તબીબો પણ હાજર નહોતા. જેથી તેને યોગ્ય સારવાર મળી નહોતી, જેથી અમે તેને વડોદરા લઇ આવ્યા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. તબીબોની નિષ્કાળજીને કાળજીને કારણે મારો ભાઇ ગુમાવ્યો છે. સરકારને અમારી અપીલ છે કે કોઇ પોતાનો ભાઇ કે પરિવારજન ન ગુમાવે એ માટે તબીબોની માગણીઓ સામે જોવું જોઇએ.
અકસ્માતમાં ગંભીર ઇજાઓ થઈ હતી
પોલીસના જણાવ્યા અનુસાર, ફતેગંજ નવાયાર્ડ વિસ્તારમાં આવેલી રમણીકલાલની ચાલમાં રહેતો દિવ્યાંગ પરમાર અને તેનો મિત્ર રાહુલ જાધવ 6 ઓગસ્ટે વહેલી સવારે મિત્ર હર્ષિતને ચક્કર આવતા હોવાથી તેના માટે દવા લેવા માટે હર્ષિતની બાઈક પર નરહરિ હોસ્પિટલ જઈ રહ્યા હતા. તેઓ નવાયાર્ડ થઈ ફતેગંજ સર્કલ તરફ જઈ રહ્યા હતા. એ સમયે હિલ મેમોરિયલ સ્કૂલ પાસે બાઈક ચલાવી રહેલા રાહુલ જાદવે કાબૂ ગુમાવતાં બાઇક સ્લિપ થઈ ડિવાઇડર સાથે ભટકાયું હતું. અકસ્માતમાં રાહુલ જાધવને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે દિવ્યાંગ પરમારને નજીવી ઇજાઓ પહોંચી હતી.
ટૂંકી સારવાર બાદ મોત
રાહદારીઓએ એમ્બ્યુલન્સ બોલાવતાં રાહુલને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ માથામાં ગંભીર ઈજા હોવાથી તબીબોએ તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલ લઈ જવા જણાવતાં ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ ખાતે લઇ જવાયો હતો. હોસ્પિટલમાં બોટલ ચડાવી હતી, પરંતુ તબીબો હડતાળ પર હોવાથી પરિવારજનો તેને પરત વડોદરા ખાતે લાવી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું રવિવારે બપોરે મોત નીપજ્યું હતું.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
સયાજીગંજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસકર્તા હેડ કોન્સ્ટેબલ લંગેશ રાઠવાએ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તને સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો હડતાળ પર હોવાથી પરિવારને યોગ્ય ન લાગતાં પરત વડોદરા લાવ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.