એમ.એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીને ડરાવવાનો પ્રયાસ કરાયો હતો. ફેકલ્ટી ડીને રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓ માટે આખી વિજિલન્સને બોલાવી દીધી હતી. વિજિલન્સ હાજર હોવા છતાં યુનિ. સત્તાધીશોને ફોન કરીને વધારે સુરક્ષા મોકલવાની હાસ્યાસ્પદ માગણી કરાતાં વિજિલન્સ અધિકારીઓ અકળાઇ ઊઠ્યા હતા. મ.સ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં બીએ સેમિસ્ટર-3ની પરીક્ષા 7 જાન્યુઆરીથી શરૂ થાય છે. જોકે હજુ સુધી 300થી વધારે વિદ્યાર્થીઓની ફી બાકી છે.
કેટલાક વિદ્યાર્થીઓનાં પરિણામ થોડા સમય પહેલાં જ આવ્યાં હતાં અને વિદ્યાર્થીઓને વિષય પસંદગીમાં મુશ્કેલીઓ આવતી હતી. જેના માટે વિદ્યાર્થી સંગઠન એએસયુના આગેવાનો ફેકલ્ટી ડીન આધ્યા સક્સેનાને રજૂઆત કરવા ગયા હતા. વિદ્યાર્થી આગેવાન પ્રિન્સ રાજપૂત તથા વિદ્યાર્થીઓ ફેકલ્ટી ડીનને રજૂઆતો કરવા ગયા હતા. જોકે ડીન મુખ્ય કેમ્પસમાં તેમની ઓફિસમાં હાજર નહતાં. દરમિયાન ફેકલ્ટી ડીન ડી.એન. હોલ પાસે આવેલા હિસ્ટરી વિભાગમાં હાજર હોવાની જાણ થતાં વિદ્યાર્થીઓ ત્યાં રજૂઆતો કરવા પહોંચી ગયા હતા. જેની જાણ ડીનને થતાં તેમણે યુનિવર્સિટી સત્તાધીશોને જાણ કરીને વિજિલન્સને તાત્કાલિક મોકલી આપવા માટે જણાવ્યું હતું.
જેના પગલે જેટલા વિદ્યાર્થીઓ ગયા હતા તેના કરતાં વધારે વિજિલન્સના જવાનો અને સિક્યોરિટી જવાનો પહોંચી ગયા હતા. જે બાદ પણ ફેકલ્ટી ડીન દ્વારા યુનિ. સત્તાધીશોને સતત ફોન કરીને વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવી ગયા છે તેવું જણાવી વિજિલન્સ આવી નથી તેમ કહેતાં ત્યાં ઉપસ્થિત વિજિલન્સ અધિકારીઓ અકળાઇ ઊઠ્યા હતા. વિદ્યાર્થીઓ સામાન્ય રજૂઆતો કરવા આવ્યા હતા છતાં વિજિલન્સને બોલાવીને વિદ્યાર્થીઓને ડરાવવાનો પ્રયાસ કરાયો હતો.
ડીને હિસ્ટરી વિભાગમાં આવેદન ન સ્વીકાર્યું
વિદ્યાર્થી હિસ્ટ્રી વિભાગમાં આવેદનપત્ર આપવા માટે ગયા હતા. જોકે ત્યાં ડીને આવેદનપત્રનો સ્વીકાર કર્યો નહતો. તેમણે આર્ટ્સના મેઇન કેમ્પસમાં આવેલી ડીન ઓફિસમાં વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને આવેદન લીધું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.