વડોદરા શહેર-જિલ્લામાં ઇકો કારમાંથી સાયલેન્સરની ચોરી કરતી ટોળકીએ હાહાકાર મચાવી મુક્યો હતો. છેલ્લા કેટલાંક સમયથી સક્રીય બનેલી આ ચોર ટોળકીએ પોલીસ તંત્રની ઉંઘ હારમ કરી નાંખી હતી. તે સાથે કાર માલિકોની પણ ઉંઘ હરામ કરી નાંખી હતી. દરમિયાન શહેર ક્રાઇમ બ્રાંચે ઇકો કારમાંથી સાઇલેન્સરની ચોરી કરનાર અને ચોરીના સાયલેન્સર વેચાણ લેનાર બે વ્યક્તિઓ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સાયલેન્સરની ચોરી કરનારે 32 ઉપરાંત કારમાંથી સાયલેન્સરની ચોરી કરી હોવાની કબુલાત કરી છે. સાયલેન્સરમાંથી નીકળતી માટી બજારમાં ઉંચા ભાવે વેચાતી હોવાની વાત સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ઇકો કારમાંથી સાયલેન્સર ચોરીની બુમ ઉઠથા તપાસ શરૂ કરાઇ
ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.આર. ખેરે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી ઇકો કારમાંથી સાયલેન્સર ચોરીની વ્યાપક બુમ ઉઠી હતી. અને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સાયલેન્સર ચોરીની ફરિયાદો દાખલ થઇ રહી હતી. માત્ર ઇકો કારમાંથીજ થતી સાયલેન્સર ચોરીની વધી રહેલી ફરિયાદોને પગલે શહેરમાં ભંગારનો સામાન ખરીદત, ફોરવ્હિલ રીપેરનું કામ કરનાર ગેરેજો ઉપર વોચ ગોઠવી દેવામાં આવી હતી. ઉપરાંત જે વિસ્તારમાંથી ઇકો કારમાંથી સાયલેન્સરની ચોરી થતી હતી તે વિસ્તારના સી.સી. ટી.વી. ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી હતી.
સાયલેન્સર ચોર રાત્રે પોતાની ઓટોરિક્ષા લઇને નીકળતો હતો
દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમ છાણી તરફ પેટ્રોલીંગમાં હતી તે સમયે ઓટો રિક્ષામાં એક વ્યક્તિ સાયલેન્સર લઇને પસાર થઇ રહ્યો હતો. તેને ઉભો રાખી પૂછપરછ કરવામાં આવતા તેણે તેનું નામ અનિલ ધનજીભાઇ ડાભી (રહે. સરદાર પટેલ હાઇટ્સ, છઠ્ઠા માળે, ગોરવા) હોવાનું જણાવ્યું હતું. તેની વધુ પૂછપરછ કરતા તેણે છેલ્લા દોઢ વર્ષમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાર્ક થતી ઇકો કારમાંથી રાત્રિના સમયે 32 સાયલેન્સર ચોરીની કબુલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, રોજ રાત્રે ઓટોરિક્ષામાં નીકળતો હતો. અને જ્યાં ઇકો કાર પાર્ક કરેલી હોય ત્યાં આસપાસમાં કોઇ ન દેખાય ત્યારે સાયલેન્સરની ચોરી કરતો હતો.
ચોરીના સાયલેન્સર 5 હજાર રૂપિયામાં ખરીદતા હતા
પોલીસની વધુ પૂછપરછમાં અનિલ ડાભીએ જણાવ્યું કે, જણાવ્યું હતું કે, ચોરી કરેલા સાયલેન્સર તેણે સિરાજ ગુલામભાઇ શેખ (રહે. વુડાના મકાન, પાણીની ટાંકી રોડ, છાણી જકાત નકા,વડોદરા) અને સલીમ ગુલામનબી ઉર્ફ મફત વોરા (રહે. કોહીનૂર સોસાયટી, ભાલેજ રોડ, આણંદ) ને રૂપિયા 5 હજારમાં વેચી દેતો હતો. ક્રાઇમ બ્રાંચે અનિલ ડાભી પાસેથી ચોરીના સાયલેન્સર સસ્તામાં લેનાર બંને ઓટો ગેરેજવાળાઓની ધરપકડ કરી હતી. અને તેમના ગેરેજમાં પડેલા સાયલેન્સર કબજે કર્યા હતા.
સાયલેન્સરમાંથી નીકળતી માટીના ઉપયોગ વિષે પણ તપાસ
પી.આઇ.એ વધુમાં જણાવ્યું હતું કે, મારુતિ સુઝુકી કંપનીની ઇક્કો કારના સાયલેન્સરમાં વાપરવામાં આવતી માટીની કિંમત ખૂબ વધારે છે. આવા સાયલેન્સર બજારમાં રૂપિયા 50 હજાર સુધીમાં વેચાય છે. ઇકો કારના સાયલેન્સરમાંથી માટી કાઢીને તેઓ ક્યાં વેચતા હતા ? કેટલામાં વેચતા હતા ? માટી લેનાર માટીનો શું ઉપયોગ કરતા હતા ? તે દીશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં છેલ્લા બે વર્ષથી આવી અનેક ચોરીના ગુન્હા નોંધાયા હતા. ખાસ કરીને ગોરવા,ગોત્રી,લક્ષ્મીપુરા, ફતેગંજ સહિતન પોલીસ મથક વિસ્તારમાં આવી ચોરીઓ નોંધાતી હતી. નોંધનીય છે કે, તાજેતરમાં વડોદરા જિલ્લાના કરજણમાં પણ ઇકો કારમાંથી સાયલેન્સર ચોરીની ઉપરા-છાપરી ફરિયાદો નોંધાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.