સજા:બિલ્ડર અપૂર્વ પટેલને કોર્ટે 14 માસની સજા ફટકારી

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉછીના નાણાં ચૂકવવાનો 8.50 લાખનો ચેક રિટર્ન થયો
  • અપૂર્વ સામે 25થી વધુ છેતરપિંડીની ફરિયાદ ​​​​​​​​​​​​​​નોંધાઇ છે

અનેક લોકો સાથે લાખો-કરોડોની છેતરપિંડી કરી ફરાર થઇ ગયેલો બિલ્ડર અપૂર્વ પટેલ એક તરફ પોલીસને મળી નથી રહ્યો ત્યારે બીજી તરફ અદાલતે ચેક રીટર્નના એક કેસમાં તેને 14 માસની સાદી કેદની સજા તેમજ વળતર પેટે રૂ.3 લાખ ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, ઉમાબહેન ભાવિનભાઇ પટેલે કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિ અને અપૂર્વ પટેલ વચ્ચે વર્ષો જૂનો પારિવારીક સંબંધ હતો. અપૂર્વ પટેલને ધંધા માટે પૈસાની જરૂર હોય તેણે ઉછીના પૈસા માગ્યા હતા અને છ મહિનામાં તે નાણાં પરત કરી દેશે તેવી ખાતરી આપી હતી એટલે વર્ષ 2016માં આરટીજીએસ દ્વારા અપૂર્વ પટેલને 25 લાખ જેવી માતબર રકમ આપવામાં આવ્યાં હતા.

ત્યાર બાદ નાણાંની ઉઘરાણી કરવામાં આવતાં આ નાણાં પરત ચૂકવવા માટે અપૂર્વ પટેલે 8 લાખનો એક અને 8.50 લાખના બે ચેક આપ્યાં હતા, જે ત્રણ ચેક પૈકી રૂ.8.50 લાખનો એક ચેક બેંકમાં જમા કરાવવામાં આવતાં પરત ફર્યો હતો એટલે તેની સામે ઉમાબહેન પટેલે એડવોકેટ શૈલેષ પટેલ મારફતે કોર્ટમાં ચેક રિટર્ન ની ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપી અપૂર્વ પટેલને ચેક રીટર્નના ગુનામાં કસુરવાર ઠેરવી 14 માસની સાદી કેદ સજાનો આદેશ કરી વળતર પેટે રૂા.3 લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, શહેરના અનેક લોકો સાથે લાખો કરોડોની છેતરપિંડી કરનાર અપૂર્વ પટેલ સામે વિવધિ પોલીસ સ્ટેશનમાં 25થી વધુ ફરિયાદો થઇ ચૂકી છે અને તે હાલ ફરાર છે ત્યારે કોર્ટે ચેક રીટર્નના કેસમાં અપૂર્વ પટેલને સજા કરતાં આ બાબત ભારે ચર્ચાના વિષય બની છે.

અન્ય સમાચારો પણ છે...