રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ધાડ પાડી હાહાકાર મચાવતી દાહોદની ધાડપાડુ ગેંગના 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ માત્ર 5 નહીં, પરંતુ તમામ આરોપીઓ સામે ગુજસીટોકની કલમ લાગુ કરવા માટેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં અદાલતે તેને મંજૂર કર્યો હતો. સરકાર તરફે ચાર્જશીટ માટે વધુ 90 દિવસની માગણી કરતાં અદાલતે હાલ 30 દિવસનો વધુ સમય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લાના પંચોલા ગામમાં ચડ્ડી-બનિયનધારી ગેંગે રૂા.31.62 લાખની મતાની લૂંટ ચલાવી હતી.
આ ચકચારી બનાવમાં પોલીસે શકરિયા મોહનિયા, જવસિંગ પલાસ સહિતના પાંચ આરોપીની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં આ તમામ શખ્સોએ ઓર્ગેનાઇઝ ગેંગ બનાવી હોવાનું ખુલવા તમામ શખ્સ સામે ગુજસીટોકની કલમ લગાવાઈ હતી. દરમિયાનમાં તપાસમાં વધુ દસ આરોપીની પણ પોલીસે ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં તેમની પણ લૂંટના ગુનામાં ભૂમિકા હોય તેમની સામે પણ ગુજસીટોકનો ગુનો દાખલ કરવા માટે આજે રજૂઆત કરાઈ હતી.
આ કેસના સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ જણાવ્યું હતું કે, અદાલતે ગુજસીટોક લાગુ કરવાની મંજૂરી આપતાં હવે તમામ આરોપી સામે ગુજસીટોક લાગુ થઇ છે અને કાયદાની જોગવાઇ મુજબ ગુજસીટોકના ગુનામાં ચાર્જશીટ દાખલ કરવા 180 દિવસ મળતાં હોય વધુ 90 દિવસની માંગણી કરાઈ હતી. અદાલતે હાલના તબક્કે ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ 30 દિવસ આપ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.