ફરિયાદ:દંપતીના અંગત વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી 20 લાખ માગ્યા

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીન દલાલની યુવતી સહિતની ત્રિપુટી સામે ફરિયાદ

જમીન દલાલીનું કામ કરતા વેપારીના મોબાઈલમાં તેમની અંગત પળોના વીડિયો જોઈ રૂા. 20 લાખની ખંડણી માગનારા આસ્થા ફાઉન્ડેશનના કહેવાતા ટ્રસ્ટી સહિત ત્રણ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમે ફરિયાદ દાખલ કરાવી હતી.

સીઆઈડી ક્રાઈમ અનુસાર, માંજલપુરમાં રહેતા અને જમીન દલાલનું કામ કરતા વિપુલભાઈ (નામ બદલ્યું છે)એ વર્ષ 2018માં રાજેશ ભાલિયા (રહે-વડસર બ્રિજ પાસે) પાસેથી તેમની દુકાન રૂા.5 હજાર માસિક ભાડેથી લીધી હતી. તેમણે ચાર મહિના ભાડું આપ્યું હતું. પછી ધંધો ચાલતો ન હોવાથી ભાડું આપી શક્યા ન હતા. ભાડાની ઉઘરાણી કરવા આવેલા રાજેશ ભાલિયાએ ફરિયાદીને લાફા મારીને ધમકી આપી લેપટોપ, મોબાઈલ અને ચેકબુક લઈ લીધા હતા.

દરમિયાન જ્યુપીટર ચોકડી પાસે રાજેશ ભાલિયાએ ફરિયાદીને બોલાવી કહ્યું હતું કે, તેના મોબાઈલમાં તેમના અને તેમની પત્નીના અંગત પળના વીડિયો છે. આ વીડિયો વાઇરલ થશે તો તમે ક્યાંયના નહીં રહો. આ વીડિયોના બદલામાં રાજેશ ભાલિયાએ રૂા.20 લાખ માગ્યા હતાં. ફરિયાદીએ તાત્કાલીક રૂા. 5 લાખ આપી દીધા હતાં. ત્યાર બાદ બાકીના રૂપીયાની આરોપી ઉઘરાણી કરતો હતો. રાજેશ ભાલિયા ફરિયાદીની ઓફિસમાંથી જે ચેકબુક લઈ ગયો હતો. તેમાંથી એક ચેક આસ્થા ફાઉન્ડેશનના નામે ક્લિયર થવા બેંકમાં આવ્યો હતો. બેંકે ફરિયાદીનો કોન્ટેક્ટ કરતા ફરિયાદીએ ચેક તેણે નથી આપ્યો તેમ કહેતાં બેંકે ફરિયાદી અને ચેક લઈને આવનાર પ્રજ્ઞા જોષીને બોલાવી હતી.

પ્રજ્ઞા જોષીએ જણાવ્યું કે, આ ચેક અમારા ટ્રસ્ટી હિમાંશુ દેસાઈએ જમા કરાવવા આપ્યો છે. તમારે વધારે વિગત જોઈતી હોય તો દાંડિયાબજાર ટ્રસ્ટની ઓફિસે સંપર્ક કરવા જણાવ્યું હતું. ફરિયાદી ટ્રસ્ટીને મળવા ગયા હતા. જ્યાં ટ્રસ્ટીએ ફરિયાદીના મોબાઈલમાં તેમના અંગત પળના વીડિયો જોયા છે. ટ્રસ્ટીએ બાકીના 15 લાખ આપવા જણાવ્યું હતું. આખરે ફરિયાદી રાજેશના ઘરે ગયો હતો. જ્યાં રાજેશ અને તેની પુત્રી હાજર હતા.

રાજેશની પુત્રીએ ફરિયાદીને જણાવ્યું હતું કે, તમારી વસ્તુઓ મારા વકીલ પાસે મૂકવા આપી છે. તમે જતા રહો નહીં તો ખોટા કેસમાં ફસાવી દઈશ. આખરે કંટાળીને ફરિયાદીએ રાજેશ ભાલિયા, રાજેશ ભાલીયાની પુત્રી અને હિમાંશુ દેસાઈ સામે સીઆઈડી ક્રાઈમ વડોદરા ઝોનમાં ફરિયાદ દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...