વડોદરામાં દેશની સૌપ્રથમ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી:રેલવે યુનિવર્સિટીનું સ્વરૂપ બદલી વિવિધ રાજ્યોના 7 ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ મર્જ કરાશે

વડોદરાએક મહિનો પહેલાલેખક: અર્પિત પાઠક  
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

દેશનું પહેલું ગતિશક્તિ વિશ્વવિદ્યાલય શહેરના લાલબાગ એનએઆઈઆર કેમ્પસમાં બનશે. હયાત નેશનલ રેલ ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટનું સ્વરૂપ બદલી રેલવેના તમામ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટને એકત્ર કરી આ વિશ્વવિદ્યાલય બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં વડાપ્રધાન લાલબાગ ખાતે ખાતમુહૂર્ત કરવા આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

લાલબાગ સ્થિત પ્રતાપ વિલાસ હેરીટેઝ પેલેસને નુકસાન ન થાય અને રેલવેના તમામ પાસા એક જગ્યાએ સાંકળી શકાય તે માટે રેલવે મંત્રાલય દ્વારા બનાવાયેલી કમિટી દ્વારા વડોદરા બહાર રેલવે યુનિવર્સિટીને બદલે લાલબાગ કેમ્પસમાં અને પ્રતાપ નગર ડીઆરએમ ઓફિસ પાસેની જગ્યાઓમાં જરૂરી બદલાવ કરી નવું સ્વરૂપ આપવા બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. અંદાજે 5 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓને આ કેમ્પસમાં સમાવવા પ્રયાસ થશે.

આયોજનની સત્તાવાર જાહેરાત થતાં સુધી બૂલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પણ લાલબાગ ખાતે અટકાવાયું છે. તાજેતરમાં વડોદરા આવેલા રેલવે બોર્ડના ચેરમેન દ્વારા લાલબાગ એનએઆઇઆર સાથે પ્રતાપ નગર ડીઆરએમ ઓફિસ પાસેની જગ્યા પર સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સૂત્રો મુજબ ગુજરાતની ચૂંટણી પહેલાં આ જાહેરાત અને ખાતમુહૂર્ત સંપન્ન થશે.

નવું આયોજન?

  • રેલવે યુનિવર્સિટીને બદલે ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી બનશે.
  • પ્રતાપનગર, બૂલેટ ટ્રેન, એનએઆઈઆર અને યુનિવર્સિટી એક જ જગ્યાએ હશે.
  • લાલબાગ બૂલેટ ટ્રેનની જગ્યામાં ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટીનું બિલ્ડિંગ બનશે.
  • દેશના અન્ય ભાગોમાં આવેલી એનએઆઇઆર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ મર્જ થશે.

બુલેટ ટ્રેનનું 400 કરોડનું સેમ્યુલેટર બિલ્ડિંગનું ટેન્ડર અટક્યું
બુલેટ ટ્રેન માટે લાલબાગ કેમ્પસમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવ્યું છે. આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પાસે બુલેટ ટ્રેન ચલાવવા માટેનું સેમ્યુલેટર મૂકવા માટે 3 માળનું બિલ્ડિંગ બનાવવાનો અંદાજે 400 કરોડનો પ્રોજેક્ટ હાલ અટકાવવામાં આવ્યો છે. બિલ્ડિંગની ટેક્નિકલ બીડ ફેબ્રુઆરીમાં થઈ હતી, ત્યારબાદ આગળ કામગીરી થઈ નથી.

નેશનલ હાઈ સ્પીડના સત્તાધીશોએ સેન્સિટિવ મેટર કહીને હાથ ખંખેર્યા
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના સત્તાધીશોએ આ અંગેપૂછતાં તેમણે સત્તાવાર વર્ઝન આપવાની મનાઈ કરી હતી. નેગોસિયેશન ચાલી રહ્યું હોવાની માહિતી આપ્યા બાદ સેન્સિટિવ મેટર હોવાથી સત્તાવાર કંઈ પણ કહેવાની મનાઈ ફરમાવી હતી.

વડાપ્રધાને બોલાવવા પ્રયાસ થશે
લાલબાગ ખાતે આ સમગ્ર પ્રોજેક્ટની મંજૂરી માટે રેલવે મંત્રી એક વખત સ્થળ નિરીક્ષણ કરવા આવશે. જોકે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત થવાની શક્યતા છે. વડાપ્રધાનને આ માટે બોલાવવાના પ્રયાસ થશે.> રંજનબેન ભટ્ટ, સાંસદ

અન્ય સમાચારો પણ છે...