ગ્રામપંચાયત ચૂંટણીની મતગણતરી પૂર્ણ:વડોદરા જિલ્લામાં 262 ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી આખી રાત ચાલી, 21 કલાકે તમામ પરિણામો જાહેર થયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લામાં રાત્રી દરમિયાન પણ મતગણતરી ચાલુ રહી હતી - Divya Bhaskar
વડોદરા જિલ્લામાં રાત્રી દરમિયાન પણ મતગણતરી ચાલુ રહી હતી
  • બેલેટ પેપરથી મતગણતરી કરવામાં આવી હોવાથી કર્મચારીઓ અટવાયા હતા

વડોદરા જિલ્લાની 262 ગ્રામપંચાયતોની ચૂંટણીની મતગણતરી આજે સવારે 6 વાગ્યા સુધી ચાલી હતી. ગઇકાલે સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઇ હતી. આમ સતત 21 કલાક સુધી મતગણતરીની પ્રક્રિયા ચાલી હતી અને લગભગ 23 કલાક સુધી તંત્રની વ્યસ્તતા રહી હતી. વિધાનસભા અને લોકસભા જેવી ચૂંટણીમાં ઈવીએમ મશીન દ્વારા જ મતદાન અને મતગણતરી થાય છે.માત્ર ગ્રામપંચાયતની ચૂંટણીમાં જ બેલેટપેપર દ્વારા મતદાન થતું હોય છે. વર્ષ 2016 બાદ પાંચ વર્ષે ગ્રામપંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતગણતરી કરવામાં આવતા મતગણતરી કરતા કર્મચારીઓ પણ અટવાયા હતા. જેમાં બેલેટ પેપરની ગણતરી વખતે સમય લાગતો તો કેટલી પ્રક્રિયા કરવાની તે અંગે પણ સિનિયર અધિકારીઓને કર્મચારીઓ પૂછપરછ કરતા હતા.

આખી રાત મેળા જેવો માહોલ જોવા મળ્યો
વડોદરા તાલુકામાં 16 ગ્રામપંચાયતોમાં મહિલાઓએ સરપંચ બનીને ગામના પ્રશ્નોનો પોતાની સુઝબુઝથી ઉકેલ લાવી વિકાસ કરવાનો દાવો કર્યો છે. વડોદરા જિલ્લામાં 260 ગ્રામપંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને બે ગ્રામપંચાયતોની પેટા ચૂંટણીની મંગળવારના રોજ સવારે 9 વાગ્યાથી વડોદરા સહિત 8 તાલુકાના 27 હોલમાં મતગણતરી શરૂ થઈ હતી. વડોદરા તાલુકાની 39 ગ્રામપંચાયતોની મતગણતરી દશરથની એમ.પી.પટેલ હાઈસ્કુલમાં થઈ હતી. હાઈસ્કુલની બહાર વહેલી સવારથી જ ઉમેદવારો અને તેમના ટેકેદારોની ભીડ ઉમટી હતી. જેના પગલે મતગણતરી સ્થળની બહાર મેળા જેવો માહોલ સર્જાયો હતો. આખી રાત આ માહોલ જોવા મળ્યો હતો.

મતગણતરી સ્થળની બહાર મેળા જેવો માહોલ સર્જાયો
મતગણતરી સ્થળની બહાર મેળા જેવો માહોલ સર્જાયો

આખી રાત વિજય સરઘસ અને ઉજવણી થઈ હતી
મતગણતરી સ્થળ પર જેમ જેમ ઉમેદવારોની જીતની ઘોષણા કરવામાં આવતી, તેમ-તેમ ટેકેદારો દ્વારા ચીચીયારીઓ પાડીને ઉલ્લાસ વ્યક્ત કરવામાં આવતો હતો. ઉમેદવારો સેન્ટરની બહાર આવતા જ તેમના ટેકેદારો તેમને ખભે ઉંચકીને હાર પહેરાવીને ગામમાં વિજય સરઘસ માટે નિકળ્યાં હતાં. ગામમાં આખી રાત વિજય સરઘસ અને ઉજવણી થઈ હતી.

વિજેતા અને હારેલા ઉમેદવારો બંને સાથે તેમના ગામ સુધી પોલીસ જોડે ગઈ
ગ્રામપંચાયતની ચૂંટણીના પરીણામ બાદ હારેલા ઉમેદવારો અને જીતેલા ઉમેદવારોના ટેકેદારો વચ્ચે હિંસક હુમલાઓ થતા હોય છે. જે હુમલાઓને ખાળવા માટે જિલ્લા પોલીસ દ્વારા મતગણતરી કેન્દ્ર ખાતે થી જ જે ગામનો ઉમેદવાર જીતે અને જે ઉમેદવાર હારે તે બંને સાથે પોલીસની એક ટીમ તેમના ગામ સુધી સાથે ગઈ હતી. જ્યારે જીતેલા ઉમેદવારના વિજય સરઘસમાં પણ પીસીઆર હાજર રહી હતી. જેથી જિલ્લામાં કોઈ સ્થળ પર ભાંગફોડ પ્રવૃત્તિઓ થઈ ન હોવાનું જિલ્લા પોલીસે જણાવ્યું હતું.

1 રાઉન્ડમાં 20 જેટલા બેલેટ કોરા,ભુલવાળા નિકળ્યાં
વડોદરા તાલુકાની 39 ગ્રામપંચાયતની મતપેટીઓની મતગણતરીઓ ચાલી રહી હતી ત્યારે શરૂઆતના રાઉન્ડમાં 20 જેટલા કોરા તેમજ ભુલવાળા બેલેટ પેપર નિકળ્યાં હતાં.જેમાંથી મોટાભાગના બેલેટ પેપર કોરા હતા જેમાં સિક્કા માર્યાં ન હતા,તો કેટલાક બેલેટ પેપરમાં સિક્કા ઉમેદવારોના ચિન્હની સામે મારવાની જગ્યાએ મથાડા પર કે પછી અલગ જગ્યાએ જ મારેલા નિકળ્યાં હતાં.

આખી રાત વિજય સરઘસ અને ઉજવણી થઈ હતી
આખી રાત વિજય સરઘસ અને ઉજવણી થઈ હતી

વડોદરા તાલુકાના કોટણા ગામમાં પુત્રનો વારસો માતાએ જાળવ્યો
ગ્રામપંચાયતની ચુંટણીમાં પરીવારવાદ પણ જોવા મળી રહ્યો છે. ચુંટણીના પરીણામમાં કોટણા ગામમાં પુત્રનો વારસો માતાએ જાળવ્યો હોવાનું જોવા મળ્યું છે.જેમાં વર્ષ 2016ની ચૂંટણીમાં કોટણા ગામમાં નીતીનભાઈ ઠક્કર (ઉ.વ.37) સરપંચ તરીકે ચુંટાઈ આવ્યાં હતાં. જ્યારે વર્ષ 2021ની ચૂંટણીમાં નીતીનભાઈના માતા સવિતાબેન જીતેન્દ્રભાઈ ઠક્કર (ઉ.વ.63) સરપંચ તરીકે ચુંટાઈ આવ્યાં છે. માતા સરપંચ તરીકે ચુંટાઈ આવતા ખાસ કરીને દિકરાનો આનંદ સમાઈ શક્યો ન હતો. માતા સરપંચ બનતા પુત્રએ ઉજવણી પણ કરી હતી. ઉલ્લેખનિય છે કે, નીતીનભાઈ ઠક્કરના દાદા બાપુલાલ ચુનીલાલ ઠક્કર પણ કોટણા ગામમાં પૂર્વ સરપંચ રહી ચુક્યાં છે.

વડોદરા તાલુકાની 39 ગ્રામપંચાયતોના વિજેતા સરપંચ ઉમેદવારો
અણખોલ - તરલીકાબેન પટેલ
આસોજ - જયાબેન પટેલ
મારેઠા - દિપીકાબેન પટેલ
તલસટ - નવનીતભાઈ ઠાકોર
ગોકળપુરા - માલિનીબેન પટેલ
ખટંબા - કમલેશભાઈ વાળંદ
શંકરપુરા - મહેશસિંહ ગોહિલ
રતનપુર - હરીભાઈ ભરવાડ
હેતમપુરા - ફરજાનાબેન કડીવાલા
કરાલી - મીનાબેન જાદવ
ખલીપુર -લતાબેન સોલંકી
હિંગલોટ - જયશ્રીબેન રબારી
સમસાબાદ - કિશન રાઠોડ
મહાપુરા - તારાબેન સોલંકી
અંપાડ - કૈલાશબેન પરમાર
ઉંટીયા - નટવરસિંહ ચૌહાણ
મેઘાકુઈ - રતનબેન તલાવીયા
સુખલીપુરા - નવનીતભાઈ પરમાર
કોટાલી - લક્ષ્મીબેન રબારી
આમલીયારા - પ્રિતીબેન પટેલ
વિરોદ - રામુભાઈ ઠાકોર
સિસવા - સુરેશભાઈ પટેલ
દામાપુરા - હિનાબેન પઢિયાર
દોડકા - દક્ષાબેન ચૈહાણ
આજોડ - બિનહરીફ
કોટણા - સવિતાબેન ઠક્કર
રાયકા - મહેશભાઈ ચાવડા

અન્ય સમાચારો પણ છે...