ભાસ્કર વિશેષ:આજવા રોડ ખાતે બંધ પડેલા રાત્રી બજારના પ્રમોશન માટે પાલિકા હવે ફુડ ફેસ્ટિવલના નામે 3 લાખનો ધુમાડો કરશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફુડ ફેસ્ટિવલ માટે ફરાસખાના, ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી,હોર્ડિંગનું ભારણ પાલિકાના શિરે

4 વર્ષથી જેને તાળાબંધી લાગી છે તેવા આજવા રોડના રાત્રી બજાર પર હવે ખાનગી સંસ્થા મારફતે ફૂડ ફેસ્ટિવલ યોજાશે અને તેના માટે પાલિકા 3 લાખના ખર્ચનું આંધણ કરશે. પૂર્વ વિસ્તારના છેવાડે સયાજીપુરામાં રાત્રી બજાર બનાવાયું છે, જેમાં 35 દુકાનો છે અને દરેક દુકાન 24 ચો. મીટરનો વિસ્તાર ધરાવે છે.

રાત્રી બજાર બનાવ્યા બાદ પ્રથમવાર જાહેર હરાજીથી આ દુકાનો ફાળવવા મિનિમમ અપસેટ વેલ્યુ 6 લાખ અને ડિપોઝિટની રકમ પણ 6 લાખ નક્કી કરી અરજીઓ મગાવી હતી. જોકે એક પણ અરજી આવી ન હતી. જેથી ભાવ ઘટાડો કરી મિનિમમ વેલ્યુ અને ડિપોઝિટની રકમ 3.11 લાખ રાખી હતી. એ પછી 3 વખત જાહેરાત આપી અરજી મગાવી હતી, પરંતુ કોઈએ રસ દર્શાવ્યો નહતો. ત્યારબાદ 2.25 લાખની રકમ નક્કી કરી 3 વખત અરજી મગાવાઈ હતી. બીજી તરફ આજવા રોડ પાસેના રાત્રી બજારની તમામ દુકાનો બને તેમ જલ્દી ફાળવીને આવક ઊભી કરી શકાય તે માટે મિનિમમ અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમ ઘટાડી દોઢ લાખની ફી નક્કી કરી 3 વર્ષ માટે ફાળવવા માટેના નિર્ણયને સમગ્ર સભાએ બહાલી આપી હતી.

3 વખત ઘટાડો કરાયા બાદ પણ પ્રતિસાદ ન મળતાં આખરે ત્યાં પ્રમોશન માટે ફૂડ ફેસ્ટિવલ કરવાનો વિચાર ભાજપ સંગઠનમાંથી પાલિકાના શાસકોને મળ્યો હતો અને તેના આધારે 25 ડિસેમ્બરથી શરૂ કરવા ઇવેન્ટ એજન્સીને જવાબદારી સોંપવા ગતિવિધિ કરાઈ છે. ફૂડ ફેસ્ટિવલમાં પાલિકા દ્વારા રાત્રી બજારની દુકાનનું ભાડું વસૂલાશે નહીં અને જે હયાત 35 દુકાન છે, તેમાં કોમન લાઇટિંગ અને સિકયુરિટી ગાર્ડની વ્યવસ્થા પણ પાલિકા દ્વારા કરાશે.

રાત્રી બજારમાં વીડિયોગ્રાફી- ફોટોગ્રાફી અને હોર્ડિંગ્સને લગતી કામગીરી પણ પાલિકાના માન્ય કોન્ટ્રાક્ટર મારફતે 3 લાખની ખર્ચ મર્યાદામાં કરવાની ભલામણ કરાઈ છે અને બાકીની તમામ વ્યવસ્થા કરવા અને તેના ચૂકવણા કરવાની સત્તા મ્યુ.કમિશનરને આપવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...