વડોદરા મહાનગર સેવા સદન દ્વારા એક તરફ કાચા-પાકા દબાણો દૂર કરીને રસ્તા ખૂલ્લા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ દબાણકારો દ્વારા લારી-પથારા ગોઠવી દબાણો કરી વેપાર કરવાનું શરૂ કરી દેતા હોય છે. વડોદરાના કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તાના એક બાજુના રસ્તા ઉપર શાકભાજીના વેપારીઓએ કબજો જમાવી દીધો હતો. વાહન ચાલકો અને સ્થાનિક લોકોની ફરિયાદો બાદ વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાએ આજે શાકભાજી બજાર બંધ કરાવી રસ્તો ખુલ્લો કરવાનો પુનઃ એકવાર પ્રયાસ કર્યો હતો. જોકે, શાકભાજી બજાર હવે કેટલા દિવસ બંધ રહેશે તે જોવું રહ્યું.
વર્ષો પૂર્વે પાલિકાએ રસ્તો બનાવ્યો
ઉલ્લેખનિય છે કે, વડોદરા મહાનગર સેવા સદન દ્વારા થોડા વર્ષો પૂર્વે ફતેપુરા ચાર રસ્તા પાસેથી ગધેડા માર્કેટ ચાર રસ્તા ઉપરના કાચા-પાકા અને નાના-મોટા દબાણો દૂર કરીને રસ્તો બનાવવામાં આવ્યો હતો. જેથી ફતેપુરા ચાર રસ્તાથી હરણી-વારસીયા રીંગ રોડ ઉપર જનાર વાહન ચાલક ટ્રાફિકનો સામનો કર્યા સિવાય ઝડપથી પહોંચી શકે. આ દબાણો દૂર કરાયા બાદ વાહન વ્યવહાર પણ ચાલુ થઇ ગયો હતો. હાલમાં પણ ફતેપુરા રોડ ઉપરથી ગધેડા માર્કેટ ચાર રસ્તા તરફ જનાર વાહન ચાલક આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ, ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસેના એક માર્ગ ઉપર શાકભાજીના વેપારીઓએ કબજો જમાવી દીધો હોવાથી વાહન ચાલકોને નીકળવું મુશ્કેલ થઇ ગયું છે.
કબજો જમાવી દેવામાં આવ્યો હતો
સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા અવાર-નવાર પાલિકાના સત્તાવાળાઓને ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસેના શાકભાજી બજારના દબાણો દૂર કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. પાલિકા દ્વારા પણ રજૂઆતના આધારે અગાઉ શાકભાજી બજાર દૂર કરવામાં આવ્યું હતું. પરંતુ, દબાણો દૂર કરાયા બાદ સતત મોનીટરીંગ થતું ન હોવાના કારણે પુનઃ શાકભાજીના વેપારીઓ દ્વારા કબજો જમાવી દેવામાં આવ્યો હતો. પરિણામે વાહન ચાલકોને પુનઃ મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો.
પાલિકાએ દબાણો દૂર કર્યા
મહાનગર પાલિકાના સુત્રોના જણાવ્યા મુજબ હરણી-વારસીયા રિંગ રોડ ઉપર આવેલા ગધેડા માર્કેટ ચાર રસ્તા તથા ફતેપુરા લાલ અખાડાથી ગધેડા માર્કેટ ચાર માર્કેટ સુધીના જાહેર રોડ પર શાકભાજી અને ખાણી-પીણીની લારીઓથી વિસ્તારમાં ટ્રાફિક ખોરવાતો હોય છે. વિવીધ ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ ઉપરાંત શાકભાજીની લારી-પથારાઓ ખુલ્લેઆમ દબાણ કરતા હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય છે. આ અંગેની ફરિયાદ નગરપાલિકાની કચેરીએ વારંવાર થઈ હતી. જેથી મહાનગર પાલિકાની દબાણ શાખાએ આ વિસ્તારમાંથી શાકભાજીવાળાના દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરી કાયમી ધોરણે રસ્તો ખુલ્લો કરવાનો આજે નિષ્ફળ પ્રયાસ હાથ ધર્યો હતો.
કાયમી નિકાલ આવશે
કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદે દબાણ કરનારાઓને બંને બાજુના રસ્તા સહિત વાહન ચાલકોને ચાર રસ્તે કોઈ અડચણ ઊભી નહીં કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. તે સાથે ગેરકાયદે દબાણ કરનારાઓના લારી, ગલ્લા, પથારાઓ જપ્ત કરવાની કાર્યવાહી કરાશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે. ત્યારે ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસેના રસ્તા ઉપર કબજો જમાવીને બેઠેલા વેપારીઓ રસ્તો ખુલ્લો રાખશે કે પુનઃ દબાણ કરશે તે એક સવાલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.