ઠરાવ:હવે કોન્સ્ટેબલ 5 વર્ષ કે તેથી ઓછી સજાના ગુનાની તપાસ કરી શકશે

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવા કોન્સ્ટેબલો ઉચ્ચ લાયકાત ધરાવતા હોવાથી તેમની ક્ષમતાનો ઉપયોગ થશે
  • હેડ કોન્સ્ટેબલ અને તેની ઉપરના અધિકારીઓ પરથી કેસોનું ભારણ હળવું થશે

પોલીસ તંત્રમાં હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારીઓ પર તપાસનું ભારણ વધી જતાં ગૃહ વિભાગે પોલીસ કોન્સ્ટેબલને 5 વર્ષ કે તેથી ઓછી સજાના ગુનાની તપાસ સોંપવાનો ઠરાવ કર્યો છે.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી પણ અઘરી બનતી જાય છે

વડોદરા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જયદીપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ફોજદારી કાર્યવાહી અધિનિયમ 1973 હેઠળ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરની કક્ષાના અધિકારીઓને તપાસ કરવાની સત્તા પ્રદાન કરેલી છે. જ્યારે હાલની પરિસ્થિતિ અનુસાર પોલીસ તંત્ર પર જવાબદારી સતત વધતી ચાલી છે. જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી પણ અઘરી બનતી જાય છે ત્યારે હેડ કોન્સ્ટેબલ અને તેની ઉપરની કક્ષાના અધિકારીઓ પાસે તપાસ પરના કેસોનું ભારણ પણ ખૂબ વધી ગયું છે. જે અંગે ગૃહ વિભાગ દ્વારા વિચારણાના અંતે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલની સંખ્યા વધુ હોવાથી તેમજ હાલમાં પોલીસ વિભાગમાં જોડાયેલા કોન્સ્ટેબલ ગ્રેજ્યુએટ અને ઉચ્ચ લાયકાત તેમજ કમ્પ્યૂટરનું જ્ઞાન પણ ધરાવે છે ત્યારે કોન્સ્ટેબલને અમુક ગુનાની તપાસ સોંપવા માટે ઠરાવ કર્યો છે.

શહેર પોલીસ યુનિટમાં કુલ 222 બિન હથિયારી કોન્સ્ટેબલ ફરજ બજાવે છે

ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસ યુનિટમાં કુલ 222 બિન હથિયારી કોન્સ્ટેબલ ફરજ બજાવે છે. જે પૈકી મોટાભાગના કર્મચારીઓ ગ્રેજ્યુએટ તેમજ ઉચ્ચ લાયકાત ધરાવી રહ્યા છે. જેથી આ ઉત્સાહી અને જિજ્ઞાસુ પોલીસ કોન્સ્ટેબલોને પાંચ વર્ષ કે તેથી ઓછી સજાના ગુના જેવા કે બિન ગણનાપાત્ર પ્રોહિબિશનના ગુના, બિન ગણનાપાત્ર જુગારના ગુના, મોટર વ્હીકલ એક્ટ હેઠળ આવતા સામાન્ય અકસ્માતના ગુના, વાહન ચોરી તથા સાદી ચોરીના ગુના તેમજ ગુજરાત પોલીસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓની તપાસ સોંપી શકાય તેમ છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા દ્વારા કોન્સ્ટેબલો ગુનાની તપાસ સારી રીતે કરી શકે તે માટે જરૂરી તાલીમ આપવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...