વડોદરામાં 150 લોકો સાથે છેતરપિંડી:બિલ્ડર અપૂર્વ પટેલ સામેના કેસોની તપાસ કરવા પોલીસ કમિશનરે SIT બનાવી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બિલ્ડર અપૂર્વ પટેલની ફાઇલ તસવીર - Divya Bhaskar
બિલ્ડર અપૂર્વ પટેલની ફાઇલ તસવીર

સિદ્ઘિ વિનાયક ડેવલપર્સના માલિક અપૂર્વ દિનેશભાઇ પટેલ અને તેની પત્ની દ્વારા ફ્લેટના નામે મોટી સંખ્યામાં લોકો સાથે છેતરપિંડી બાદ આ કેસોની તપાસ માટે વડોદરાના પોલીસ કમિશનર શમશેરસિંગ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. હાલ બિલ્ડર ફરાર છે અને તેને શોધવા સીઆઇડી દ્વારા દરોડાની કાર્યવાહી જારી છે.

SITમાં ક્યા અધિકારીઓનો સમાવેશ

  • યુવરાજસિંહ જાડેજા (નાયબ પોલીસ કમિશ્નર, ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર)
  • રાધિકા ભારાઇ (મદદનીશ પોલીસ કમિશ્નર, મહિલા સેલ)
  • જી.ડી.પલસાણા (મદદનીશ પોલીસ કમિશ્નર, ઇ, ડિવિઝન)
  • સી.બી.ટંડેલ (પીઆઇ, એસઓજી, વડોદરા)
  • ડી.કે.પટેલ (પીઆઇ. ઇકોનોમીક સેલ, વડોદરા)

સીઆઇડીના દરોડા

સીઆઇડી ક્રાઈમ દ્વારા બિલ્ડર અપૂર્વ પટેલને ઝડપી પાડવા વિવિધ સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સિદ્ધિ વિનાયક ડેવલપરના નાણાકીય વ્યવહારો સંભાળતો મનોજ નામનો કર્મચારી પોલીસથી બચવા ઘર છોડીને ભાગી ગયો હોવાનું સીઆઇડી ક્રાઈમના પીઆઇ જે.જી.અમીને જણાવ્યું છે.સિદ્ધિ વિનાયક પેઢી દ્વારા મુકાયેલી જુદી જુદી સ્કિમોમાં છેતરાયેલા લોકો વધુને વધુ સંખ્યામાં બહાર આવ્યા બાદ અપૂર્વ પટેલ અને એની પત્ની દ્વારા છેતરાયેલાઓની સંખ્યા 150 જેટલી હોવાનુ બહાર આવ્યું હતું.

હાજર થવાની મુદત પુરી
અગાઉ મેપલ વિલા અને મેપલ મેડોઝ બાદ હવે મેપલ સિગ્નેચરમાં પણ મોટી સંખ્યા લોકોને ફ્લેટનાં નામે છેતર્યા હોવાથી પોલીસ ફરિયાદની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.સીઆઇડી ક્રાઈમ એક્શનમાં આવી હતી અને મંગળવારે અપૂર્વ પટેલના નિવાસસ્થાને જઈ 3 દિવસ દિવસમાં સીઆઇડી ક્રાઈમની કચેરીએ હાજર થવા નોટિસ આપી હતી. જેની મુદત શુક્રવારે પૂરી થઇ છે. બુધવારે સીઆઇડી ક્રાઈમની ટીમે સિદ્ધિ વિનાયક ડેવલપરની ઓફિસના કર્મચારીઓના નિવેદનો લીધા હતા.

શાકભાજી વેચનારાથી લઇ દુકાનદારો છેતરાયા
જ્યારે એક જ મકાન ઉપર બે લોન આપવાનું કૌભાંડ થયું છે એવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જવાબદાર કર્મચારીઓનાં પણ નિવેદન લેવાયા હતા. એની ઝીણવટ પૂર્વકની તપાસ ચાલી રહી છે.રજા ચિઠ્ઠી કે રેરાંમાં કોઈ જાતની નોંધણી વગર મુકાયેલી મેપલ સિગનેચરમાં શાકભાજી વેચનારાથી માંડી નાના દુકાનદારો અને સામાન્ય વર્ગના અનેક લોકો સાથે અપૂર્વએ મોટી રકમની છેતરપીંડી કરી છે. સીઆઇડીની કાર્યવાહીથી એમને ન્યાય મળવાની આશા બંધાઈ છે.