અકસ્માતની ભયાનકતા:લક્ઝરી બસ અને ટ્રકની ટક્કરનો અવાજ અડધાથી એક કિમી દૂર સુધી સંભળાયો, 108ની ટીમો દોડતી થઈ

2 મહિનો પહેલાલેખક: રોહિત ચાવડા

વડોદરા નજીક આવેલી કપુરાઈ ચોકડી પાસે મંગળવારે વહેલી સવારે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજસ્થાનના બાસવાડાના એક જ ગામના છ લોકોના મોત થયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ટ્રક અને લક્ઝરી વચ્ચે થયેલી ટક્કરનો અવાજ અડધાથી એક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. અડધો કિમી દૂર જ આવેલા કપૂરાઇ હેલ્થ સેન્ટર પાસે ઊભેલી 108ના કર્મચારીઓને ટ્રક અને લક્ઝરી બસ વચ્ચેની ટક્કરનો અવાજ સંભળાયો હતો. કોલ મળતાંની સાથે 108ના પાયલટ અને ડોક્ટર સહિત કર્મચારીઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તમામ ઇજાગ્રસ્તો અને મૃતકોને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ત્યારબાદ 108ની અન્ય ટીમો પણ દોડતી થઈ હતી.

રાતના અંધકારામાં અકસ્માતનો અવાજ ગૂંજ્યો
આજે મોડી રાતે 3:30 ની આસપાસ બનેલી આ ઘટના અંગે 108 એમ્બ્યુલન્સના પાયલટે જણાવ્યું હતું કે, કપૂરાઈ ચોકડી પાસે અકસ્માત થતાં તેનો અવાજ અમને સંભળાયો હતો. તુરંત જ કોલ મળતાં અમે કપૂરાઈ ચોકડી સ્થિત બ્રિજ પર પહોંચી ગયા હતા. આ સમયે ઘટનાસ્થળે જ ચાર મૃતદેહો મળ્યાં હતાં. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા.

આઠથી નવ જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમે એક એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરંતુ મૃતકો અને ઇજાગ્રસ્તો વધુની સંખ્યામાં હોવાથી તુરંત જ અને અમારા ઉપરી અધિકારીનો સંપર્ક કર્યો હતો અને બીજી એમ્બ્યુલન્સ બોલાવી હતી. જોતજોતામાં જ ઘટનાસ્થળે આઠથી નવ જેટલી એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને સયાજી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...