રેરા સમક્ષ પાંચ વર્ષ સુધી ચાલેલા કેસ બાદ એક વ્યક્તિને ચૂકવાવાની થતી મસ મોટી રકમ આપવામાં ગલ્લાતલ્લા કરતા વડોદરા શહેરના ત્રણ બિલ્ડરો સામે કલેક્ટર તંત્ર દ્વારા જપ્તિનું શસ્ત્ર ઉગાવવામાં આવતાની સાથે જ ત્રણેય બિલ્ડરોએ ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢી આપી અરજદારને ચૂકવણી શરૂ કરી દીધી હતી.
બાનાખત કરવામાં આવ્યું હતુ
સમગ્ર પ્રકરણની વિગતો એવી છે કે, અહીંના માંજલપુર ખાતે રહેતા સતિષભાઈ પટેલે વર્ષ-2014માં બિલ્ડર એવા મિનેશ શાહ, અંકિત રાઠોડ અને જયેન્દ્ર પટેલના ભાયલી રોડ ખાતેના મુક્તિ વિલાસ નામના નિવાસી પ્રોજેક્ટમાં રૂ. 1.21 કરોડનું મકાન બૂક કરાવ્યું હતું. જેની કાયદાકીય પ્રક્રિયા અનુસરવામાં આવી હતી અને બાનાખત કરવામાં આવ્યું હતું.
પ્રોજેક્ટના કોઇ ઠેકાણા નથી
અરજદાર સતિષભાઇએ આ માટે લોન પણ લીધી હતી. તેમણે આ માટે રૂ. 88 લાખનું ચૂકવણું પણ બિલ્ડરોને કરી દીધી હતું. આ બિલ્ડરોએ 2016માં મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ કરી કબજો આપવાનો હતો. પણ, નિયત સમયમાં પ્રોજેક્ટર પૂર્ણ ના થતાં અને પોતાના ઉપર બેંકના હપ્તા પેટે રૂ. ૫૨ હજારનું ભારણ થતાં સતિષભાઇએ ગુજરાત રિયલ એસ્ટેટ ઓથોરિટી સમક્ષ પોતાની ફરિયાદ દાખલ કરી હતી. એ દરમિયાન આ પ્રોજેક્ટના કોઇ ઠેકાણા નહોંતા.
રેરામાં અરજી કરી
એ દરમિયાન કોરોના કાળને બાદ કરતા રેરા સમક્ષ આ સમગ્ર પ્રકરણ ચાલી ગયું હતું અને તેમાં બિલ્ડરોની હાર થઇ હતી. આ કેસ ચાલવા ઉપર આવતા બિલ્ડરોએ છ માસમાં અરજદારને ચડત વ્યાજ સાથે રૂ. 1.27 કરોડ ચૂકવવા માટેની લેખિતની બાંહેધરી આપી હતી. જે પેટે તેમણે પોસ્ટ ડેટેડ ચેક આપ્યા હતા. રેરાએ કાયદા અને નિયમો અનુસાર સતિષભાઇને તેમના રૂ. 10.5 ટકા વ્યાજ સાથે ચૂકવવા માટે આદેશ કર્યો હતો. જો કે, નિયત સમયમાં રકમની ચૂકવણી ના થતાં અરજદારે ઓર્ડરની અમલવારી માટે ફરી રેરા સમક્ષ અરજી દાખલ કરી હતી.
કલેક્ટરે અમલ કરાવ્યો
હવે થયું એવું કે જ્યારે અરજદારે એ ચેક બેંકમાં નાખ્યા ત્યારે તે રિટર્ન થયા હતા. તેની સામે અરજદારે ફરી રેરા કોર્ટ ઉપરાંત દિવાની કોર્ટમાં ફરિયાદ કરી હતી. રેરા કોર્ટે આ રકમની મહેસુલી રાહે વસુલાત કરવા માટે વડોદરા કલેક્ટર સમક્ષ રિક્વરી સર્ટિફિકેટ જારી કર્યું હતું. અરજદારની હાર્ડશીપને ધ્યાને રાખીને કલેક્ટર અતુલ ગોરે રેરા કોર્ટના આદેશનો તુરંત અમલ કરાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
રકમ મળી ચૂકી છે
અરજદારને આપેલી વિગતોને આધારે બિલ્ડરોની મિલ્કતોની મામલતદાર-પશ્ચિમ તંત્ર દ્વારા ટાંચમાં લેવાની પ્રક્રીયા શરૂ કરતા બિલ્ડરોના પગ તળે રેલો આવ્યો હતો અને તેમણે અરજદારને રૂ. 1.58 કરોડની રકમ રેરા કોર્ટમાં જમા કરાવ્યા બાદ સતિષભાઇને આ રકમ મળી ચૂકેલ છે. એ દરમિયાન, અરજદારોએ જપ્તિની કાર્યવાહી રોકવા માટે રેરા ઓથોરિટીમાં પણ રિવ્યુ અરજી કરી હતી. જેને પણ ખારીજ કરી દેવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.