રાજ્ય સરકારના શ્રમ કોશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે કાર્યરત ધન્વંતરી રથની તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણના સૂત્રને સાર્થક કરવાના નેમ સાથે વડોદરા જિલ્લામાં કુલ 9 ધન્વંતરી રથ ફાળવવામાં આવ્યા છે.
હાલમાં વડોદરા શહેર અને જિલ્લામાં બાંધકામ શ્રમિકોની આરોગ્ય સેવાઓ માટે 6 ધન્વંતરી આરોગ્ય રથો કાર્યરત છે, જેમાં વધુ ૩ નવા ધન્વંતરી આરોગ્ય રથનો ઉમેરો થતા હવે કુલ 9 રથ શ્રમિકોની આરોગ્ય સેવાઓ માટે કાર્યરત રહેશે. આજે આ ત્રણ રથ પાદરા, કરજણ અને ડભોઈ તાલુકામાં બાંધકામ સાઈટો પર કામ કરતા શ્રમિકોની સેવા સારવાર માટે રવાના કરવામાં આવ્યા હતા.
પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, કલેકટર અતુલ ગોર, નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષી ચૌહાણની ઉપસ્થિતિમાં આધુનિક મેડિકલ સુવિધાથી સજ્જ ધન્વંતરી રથનું કલેકટર કચેરી વડોદરા ખાતેથી તાલુકા મથકોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ વતી ધન્વંતરી રથના પ્રોજેક્ટ કોર્ડીનેટર વિપિનભાઈ, પ્રવિણભાઈ, 108 સહિત ધન્વંતરી રથનો સ્ટાફ હાજર રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ધન્વંતરી રથની સેવાઓ બાંધકામ શ્રમિકોને તેઓના કાર્યસ્થળ જેવા કે બાંધકામ સાઈટ, કડીયાનાકા તેમજ શ્રમિક વસાહતો સુધી પહોચી, આરોગ્ય પ્રાથમિક સેવાઓ પૂરી પાડશે.
રથના માધ્યમથી શ્રમિકોની ઓનલાઈન ડેટા એન્ટ્રી અને રજિસ્ટ્રેશન, જીપીએસ દ્વારા રિયલ ટાઇમ ટ્રેકિંગ તેમજ તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા તબીબી સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત બાંધકામ શ્રમિકોને વિના મૂલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરી ઈ- નિર્માણ કાર્ડ ઈ- શ્રમ કાર્ડ, આભા કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા સાથે તબીબી સેવાઓ જેવી કે તાવ, ઝાડા, ઉલ્ટીની સારવાર, ચામડીના રોગોની સારવાર, સામાન્ય રોગોની સારવાર, રેફરલ સેવા,નાના બાળકોની સારવાર, સગર્ભા માતાની પ્રાથમિક તપાસ, આ ઉપરાંત લેબોરેટરી જેમાં હિમોગ્લબિન, મલેરીયા,પેશાબ, લોહીમાં સુગરની તપાસ સહિત પ્રેગનન્સી ટેસ્ટ વગેરે સેવાઓ ઉપલબ્ધ રહેશે.
સૈનિકો માટે વૃદ્ધાએ રૂ. 5 લાખનું દાન કર્યું
કઠીન ભૌગોલિક સ્થિતિમાં પણ દેશની સરહદોનું અહર્નિશ રક્ષણ કરતા જાબાંઝ સૈનિકોના કલ્યાણ માટે રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત થયેલા એક મહિલાએ પોતાની જીવાઇમાંથી રૂ. 5 લાખનું દાન કરીને પ્રેરણાત્મક કાર્ય કર્યું છે. રૂ. પાંચ લાખનો ચેક તેમણે કલેક્ટર અતુલ ગોરને અર્પણ કર્યો હતો.
કારેલીબાગ ખાતે રહેતા સુલભાબેન પુરુષોત્તમભાઇ સાને માર્ગ અને મકાન વિભાગના મિકેનિકલ વિભાગમાં નોકરી હતા અને વર્ષ 2006માં તેઓ રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયા હતા. નિવૃતિ વેળાએ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ બચત અને લાભોથી તેઓ પોતે પોતાનો આર્થિક નિર્વાહ સારી રીતે કરી શકવા માટે સક્ષમ હતા. હાલમાં તેઓ 74 વર્ષની આયુએ પહોંચ્યા છે.
ચાર-પાંચ દિવસ પહેલા તેઓ રાત્રે સૂતા હતા ત્યારે, તેમને વિચાર આવ્યો કે, આપણે તો સારી રીતે નિંદર કરી શકીએ છીએ. સુરક્ષિત રહી શકીએ છીએ. આ સુરક્ષા માટે દેશના સૈનિકોની રાત-દિનની મહેનત અને પરિશ્રમ છે. આવા વિચારે સુલભાબેનને સૈનિકોના કલ્યાણ માટે આર્થિક દાન કરવાનો સ્તુત્ય વિચાર આવ્યો અને બીજા દિવસે પરિચિતોમાં પૃચ્છા કરી કે સૈનિકો માટે ક્યાં દાન આપી શકાય છે. કોઇએ તેમને કલેક્ટર કચેરીમાં જવા માટે સૂચન કર્યું હતું. સુલભાબેને કલેક્ટર કચેરીમાંથી જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડને અનુદાન આપવાની સલાહ આપતા તેણીએ તે સ્વીકારી લીધી. તેઓ પોતે અપરિણીત હોવાથી સૈનિકોને પોતાના માનસપુત્રો ગણી આ દાન આપવાનું નક્કી કર્યું હતું.
તેઓ આજે સવારે રૂ. 5 લાખનો ચેક લઇને કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા હતા અને કલેક્ટર અતુલ ગોરને અર્પણ કર્યો હતો. કલેક્ટર ગોરે સુલભાબેનની સૈનિકો પ્રત્યેની સેવાને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, દેશની સરહદોનું રખોપું કરતા સૈનિકોના કલ્યાણ માટે સુલભાબેન દ્વારા દર્શાવવામાં આવેલી સંવેદના અન્ય કર્મયોગીઓ માટે પણ પ્રેરણારૂપ છે. આ વેળાએ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી સુરજિતસિંઘ રાઘવ, વેલ્ફેર અધિકારી મનુભાઇ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.