ઉકળાટ શમ્યો:ભેજયુક્ત પવનોની સાથે આવેલાં વાદળો થકી 1 ઈંચ વરસાદમાં જ શહેર પાણી પાણી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારે બપોરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે ચાર દરવાજા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણીનો ભરાવો થયો હતો. જોકે વરસાદે વિરામ લેતાં પાણી ઊતરી ગયાં હતાં. - Divya Bhaskar
શનિવારે બપોરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે ચાર દરવાજા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણીનો ભરાવો થયો હતો. જોકે વરસાદે વિરામ લેતાં પાણી ઊતરી ગયાં હતાં.
  • પૂર્વ એમપી પર સર્જાયેલા લો પ્રેશરથી શહેરમાં આજે પણ વરસાદની આગાહી
  • ગરમીનો પારો 2 ડિગ્રી ઘટીને 30.1 ડિગ્રી નોંધાયો
  • ચાર દરવાજા સહિતના વિસ્તારમાં પાણી ભરાયાં

શહેરમાં શનિવારે બપોરે ધોધમાર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરના ડિઝાસ્ટર વિભાગના મતે શનિવારે 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. જોકે બપોર બાદ વરસાદ બંધ રહેતાં પાણી ઊતરી ગયાં હતાં. બીજી તરફ હવામાન શાસ્ત્રી અંકિત પટેલના જણાવ્યા અનુસાર પૂર્વ મધ્યપ્રદેશ પર લો પ્રેશર સર્જાયું છે, જેના પગલે શહેરમાં 31 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે.

મોટાભાગે 31 ઓગસ્ટના રોજ શહેરમાં વાદળો હટી જવાથી વાતાવરણ સાફ થઈ જશે. જ્યારે લો પ્રેશરના પગલે શહેરમાં ભેજયુક્ત પવનો વહી રહ્યાં છે, જે વરસાદી વાદળ લાવી રહ્યાં છે. જેને પગલે શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ 30 ઓગસ્ટના રોજ શહેરમાં થંડરસ્ટ્રોમ પણ રચાઈ શકે છે. જેમાં વીજળીના ચમકારા અને વાદળોની ગર્જના સાથે ભારે વરસાદ વરસી શકે છે. ભેજ અને ગરમી ભેગાં થતાં થંડરસ્ટ્રોમ રચાતાં હોય છે.

આ થંડરસ્ટ્રોમ એક ગામથી માંડી અનેક શહેરો સુધી ફેલાયેલા હોઈ શકે છે. બીજી તરફ શનિવારના રોજ સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જ્યારે બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં શહેરમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જ્યારે આખો દિવસ છાંટા પડવાનું ચાલુ રહ્યું હતું. વાતાવરણમાં કાળાડીબાંગ વાદળો છવાયેલાં રહ્યાં હતાં. શનિવારે સાંજે 6 વાગ્યા સુધી આજવાની સપાટી 212.20 ફૂટ અને વિશ્વામિત્રીની સપાટી 8 ફૂટ નોંધાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 2 ડિગ્રી ઘટીને 30.1 ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ રવિવારના રોજ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે તાપમાન 30 ડિગ્રી રહેવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...