દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ શહેરમાં રવિવારના રોજ બપોરના અરસામાં મેઘરાજાએ દસ્તક દીધી હતી. જોકે પાંચેક મિનિટ સુધી વરસાદી ઝાપટું વરસતાં માત્ર રસ્તાઓ જ પલળ્યા હતા. ત્યારબાદ કાળાડિબાંગ વાદળો પવનોના કારણે ખેંચાઈ ગયાં હતાં, જેને કારણે પહેલો વરસાદ ધોધમાર પડે તેવી શહેરીજનોને આશા પર પાણી ફરી વળ્યું હતું. જોકે 20 મિમી જેટલો વરસાદ પડતાં ગરમીનો પારો 4 ડિગ્રી ઘટ્યો હતો. બીજી તરફ વરસાદને પગલે શહેરના છાણી સહિતના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સોમવારના રોજ પણ શહેરમાં વરસાદી ઝાપટું પડવાની સંભાવના છે. જ્યારે ગરમીનો પારો 39 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.
શહેરમાં વહેલી સવારથી જ કાળાં વાદળો વાતાવરણમાં જોવા મળ્યાં હતાં. જોકે સાથે પવનો પણ હોવાથી વાદળો ખેંચાવા લાગ્યાં હતાં. બપોર 3 થી 4 વાગ્યા દરમિયાન ઠંડા પવનો સાથે 20 મિમી વરસાદ પડ્યો હતો. માંડ 5 મિનિટ વરસ્યા બાદ વાદળો ખેંચાઈ ગયાં હતાં.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં રવિવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 27.4 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 72 ટકા અને સાંજે 65 ટકા નોંધાયું હતું. આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમની દિશાથી 10 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.બીજી તરફ બપોરે પડેલા ઝાપટાને કારણે શહેરના છાણી સહિતના વિવિધ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. જેને કારણે લોકો પરેશાન થયા હતા.
2021માં તાઉતે વાવાઝોડાના કારણે મે મહિનામાં વરસાદ વરસ્યો હતો
તાઉતે વાવાઝોડાને પગલે 18 મે, 2021ના રોજ શહેરમાં 84 કિમીના ઝાટકાના પવનો સાથે અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના પગલે શહેરમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ઝડપી પવનોના પગલે શહેરમાં 150 સ્થળો પર ઝાડ અને 20થી વધુ સ્થળ પર નાનાં-મોટાં હોર્ડિંગ્સ ધરાશાયી થયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.