કોરોના સંક્રમણ:શહેરમાં ઓમિક્રોનના નવા 4 કેસ, 18 વિસ્તારમાં કોરોનાના નવા 87 કેસ નોંધાયા

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેન્યાથી આવેલો પુરૂષ અને કિશોર ઓમિક્રોન પોઝિટિવ, કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા કેન્યા પરત પણ જતા રહ્યા

વડોદરા શહેરમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. શહેરમાં આજે ઓમિક્રોનના નવા 4 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના 87 કેસ નોંધાયા છે. શહેરમાં આજે બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષિકા કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે શહેરમાં કોરોનાથી એકપણ મોત નોંધાયુ નથી. ઉલ્લેખનીય શહેરમાં ગઇકાલે કોરોનાના 69 કેસ નોંધાયા હતાં.

શહેરમાં હાલ 485 લોકો હોમ ક્વોરન્ટીન છે
વડોદરા શહેરમાં આજે જેતલપુર, નવાપુરા, કિશનવાડી, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, સુભાનપુરા, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, ગોકુલનગર, વડસર, પુનીયાદ, ખાનપુરમાં કોરોનાના કેસ નોંધાયા છે. શહેરમાં હાલ 485 લોકો હોમ ક્વોરન્ટીન છે. તેમજ કોરોનાના 359 એક્ટિવ કેસ છે. જેમાંથી 343ની સ્થિતિ સ્ટેબલ છે જ્યારે 12 દર્દીઓ ઓક્સિજન પર અને 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

શહેરમાં ઓમિક્રોનના નવા 4 કેસ
વડોદરામાં કેન્યાથી આણંદ આવેલ અને વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં રોકાયેલ એક પુરુષ અને એક કિશોરનો ગત 25 તારીખના રોજ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે આણંદ ખાતે તેઓએ 2 જાન્યુઆરીના રોજ રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી તેઓ કેન્યા પણ પરત ફરી ગયા હતાં. જો કે આજે તે બંનેનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ઘાનાથી વડોદરાના વડસર વિસ્તારમાં આવેલ પુરુષ અને ફ્રાન્સથી શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ પુરુષનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે.

બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષિકા કોરોનાથી સંક્રમિત
છેલ્લા કેટલાક સમયથી શાળાના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થવાના કેસ સતત વધી રહ્યા છે. વડોદરા શહેરમાં બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષિકા કોરોનાથી સંક્રમિત બન્યા છે. માંજલપુર ખાતે આવેલી પ્રિન્સ અશોકરાજે સ્કૂલમાં અભ્યાસ કરતો ધો-9નો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. આજવા રોડ ખાતે આવેલી રોયલ સ્કૂલમાં અભ્યાસ કરતો ધો-11 સાયન્સનો વિદ્યાર્થી પણ કોરોના સંક્રમિત થયો છે. તો બીજી તરફ પોલોગ્રાઉન્ડ ખાતે આવેલી એક સ્કૂલની શિક્ષિકાને થોડા દિવસો પહેલા શરદી, ખાંસી, તાવ વગેરે જેવા લક્ષણો સાથે બીમારી સપડાયા હતા. જેમનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વેક્સિન ન અપાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ આપો
વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશનના પ્રવક્તા વિનોદભાઇ ખુમાણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી નાના બાળકોને વેક્સિન ન અપાય ત્યાં સુધી તેમને ઓનલાઇન શિક્ષણ આપવું જોઇએ. સરકાર ઓફલાઇન શિક્ષણ ચાલુ રાખીને વિદ્યાર્થીઓમાં મોટા કોરોના વિસ્ફોટની રાહ જોઇને બેઠી છે. મોટા લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા પછી પણ રાત્રિ કર્ફ્યૂ જેવા કડક નિર્ણયો લેવા પડે છે.

કોરોનાની કુલ કેસની સંખ્યા 72,957 ઉપર પહોંચી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 87 કેસ નોંધાયા છે. આમ કોરોનાના કેસો વધતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાઇ ગયું છે. કોરોનાની કુલ કેસની સંખ્યા 72,957 ઉપર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ 71,975 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે.

પાલિકામાં મુલાકાતીઓએ પ્રવેશ માટે વેક્સિનના બે ડોઝ ફરજીયાત
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે બંને ગેટ પર સરકારે જારી કરેલા આદેશને સૂચના તરીકે લગાવી દેવામાં આવ્યો છે કે, કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોય તેવા મુલાકાતીઓને જ પ્રવેશ આપવામાં આવશે. મુખ્ય કચેરી ખાતે આ આદેશનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,834 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,957 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9742 પશ્ચિમ ઝોનમાં 12,288, ઉત્તર ઝોનમાં 11,959, દક્ષિણ ઝોનમાં 11,942, વડોદરા ગ્રામ્યમાં 26,834 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...