પેનથી પ્રકૃતિ કંડારી:વડોદરાના પિતા-પુત્રની જોડીએ 150 બોલપેનના ઉપયોગ થકી 31 ચિત્રો તૈયાર કર્યાં

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરના કલાકાર પિતા-પુત્રે બોલપેનની મદદથી ચિત્રો તૈયાર કર્યાં હતાં. - Divya Bhaskar
શહેરના કલાકાર પિતા-પુત્રે બોલપેનની મદદથી ચિત્રો તૈયાર કર્યાં હતાં.
  • કલાકાર પિતા-પુત્રે દોરેલાં ચિત્રોનું આકૃતિ આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શન યોજાયું

શહેરમાં અનોખું ચિત્ર પ્રદર્શન યોજાયું હતું, જેમાં સામાન્ય ગણાતી રૂા.2ની 150 પેનના ઉપયોગથી તૈયાર કરાયેેલાં 31 ચિત્રો પ્રદર્શિત કરાયાં હતાં. પિતા-પુત્રની જોડીએ તૈયાર કરેલાં ચિત્રોમાં પ્રકૃતિને આધુનિક સ્વરૂપે દર્શાવાઈ હતી.શહેરની આકૃતિ આર્ટ ગેલેરી ખાતે પિતા-પુત્ર ભાઈલાલ વણકર અને વિનોદ પરમારે તૈયાર કરેલાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. પિતા અને પુત્ર બંને કલાકાર અને કલાશિક્ષક છે. બંનેની જોડી ફક્ત સામાન્ય બોલપેનનો ઉપયોગ કરીને અનોખી રીતે પેઈન્ટિંગ બનાવે છે. શહેરમાં બોલપેનથી પેઈન્ટિંગ કરવાની શરૂઆત આ જોડીએ જ કરી હતી.

ગુજરાત સરકારે આર્ટિસ્ટ ભાઈલાલ વણકરને બોલપેન પેઈન્ટિંગના સંશોધકનું બિરુદ આપ્યું છે. પ્રદર્શનમાં બોલપેનથી તૈયાર કરાયેલાં 31 ચિત્રોમાં પ્રકૃતિ ચિત્રો, વન્યજીવો, ધર્મપ્રતીકો, પક્ષીયયુગલો, ગ્રામ્યજીવન જેવા વિષયનો સમાવેશ કરાયો છે. ચિત્રોમાં પ્રકૃતિને મૉડર્ન સ્વરૂપે દર્શાવાઈ છે. 31 પેઈન્ટિંગમાં કુલ 150 જેટલી પેનનો વપરાશ થયો હતો. બોલપેન પેઈન્ટિંગમાં વિશેષ કાળજી રાખવી પડે છે, કારણ કે એક વખત કામ કર્યા પછી ભૂંસી શકાતું નથી. તેથી તે પેઈન્ટિંગ સંપૂર્ણ રીતે નકામું બની જાય છે. એક પેઈન્ટિંગ કરવામાં મહત્તમ 5 પેનનો ઉપયોગ થાય છે.

વિનોદ પરમારે જણાવ્યું હતું કે, 35 થી 40 વર્ષ પહેલાં મારા પિતાએ બોલપેનથી પેઈન્ટિંગ કરવાની શરૂઆત કરી હતી. એ સમયે તેમની સ્થિતિ સારી ન હોવાથી પેઈન્ટિંગ માટેની વસ્તુઓ ખરીદી શકે તેમ ન હતા. તેથી તેમને વિચાર આવ્યો કે, સામાન્ય બોલપેનથી પણ ચિત્ર સર્જન તો કરી જ શકાય. જેથી 50 પૈસાની પેન સાથે આ પ્રયોગની શરૂઆત કરી હતી. તેમજ બોલપેનથી પેઈન્ટિંગ કરવાનો એક હેતુ એ પણ છે કે ગામડાનાં બાળકો પાસે કલા હોય છે, પરંતુ મોંઘી વસ્તુ ખરીદવાની ક્ષમતા હોતી નથી. તેથી તેમને પણ બોલપેન પેઈન્ટિંગ કરવાની પ્રેરણા મળશે.

અન્ય સમાચારો પણ છે...