આયોજન:બળે કામ ક્રોધ ને બનાવટ ભરી જે, અહમ ઓગળે તો દિવાળી દિવાળી
- દીપ પર્વ નિમિત્તે શબ્દસેતુ દ્વારા દિવાળી વિશે કાવ્ય જલસો યોજાયો
દિવાળીનું પ્રકાશપર્વ હોય અને વડોદરાના કવિઓની સર્જનાત્મકતાનો અજવાશ કેમ બાકી રહી જાય. દિવાળીની લાગણીઓ તેની વ્યાખ્યા કવિઓએ શબ્દદેહે શબ્દસેતુ સંસ્થા દ્વારા આયોજિત એક નાનકડા કવિ સંમેલનમાં લલકારી હતી, શ્રોતાજનો સમક્ષ રજૂ કરી હતી.
કવિઓના મન દિવાળી એટલે દીપ અંતરમાં ઝળહળે, આતમ દીપ પ્રકટે ને ઉલ્લાસ રેડાય, ઘર વિહોણા રાંક દુ:ખી બાળકોને જોઇને ભીતરે કૈં ખળભળે કે વ્યહવારમાં વિશ્વાસનો દીપ પ્રકટાવવાની વાત છે. કટુતાને બાળવાની અને પ્રભુના કાજે પ્રગટવાની પણ હાકલ કવિઓએ કરી હતી.
શબ્દ સેતુના કવિ સુંદરમ ટેલરે જણાવ્યું કે, ‘ આ કવિ સંમેલન દીપપર્વ નિમિત્તે કાવ્યોના ફટાકડા ફોડીને અને કાવ્ય રંગોળી સર્જીને શાબ્દિક ઉજવણીનો પ્રયાસ છે.’ ઉલ્લેખનીય છે કે, શબ્દ સેતુ દ્વારા વર્ષ દરમિયાન મહત્વના તહેવાર નિમિત્તે કાવ્ય સંમેલનો યોજાય છે.
દિવાળીના ભાવને અજવાળતાં પ્રકાશમયી કાવ્ય દીવડા
- બળે કામ ક્રોધ ને બનાવટ ભરી જે અહમ ઓગળે તો દિવાળી દિવાળી, ભર્યા ધર્મ જાતિના વિવાદે, વિષાદે કટુતા બળે તો દિવાળી દિવાળી... - નૈષધ મકવાણા
- કોડિયામાં રાત અજવાળી હતી બારસાખો એટલે કાળી હતી, તું દીપક લાગે મઝાનો કેમ કે તેં પવન સંગ જિંદગી ગાળી હતી...-ભરત ભટ્ટ, ‘પવન’
- દીપ અંતરમાં બળે ત્યારે દિવાળી થાય છે, લોક સૌ ભેગા મળે ત્યારે દિવાળી થાય છે, રોશની બસ રોશની ચારે તરફ હો બહાર પણ માંહ્યલોયે ઝળહળે ત્યારે દિવાળી થાય છે...-દિનેશ ડોંગરે ‘નાદાન’
- પ્રેમ વધે, નફરત ઘટે તો ખરેખર દીવાળી અંધકારે પ્રકાશ પ્રગટે તો ખરેખર દીવાળી, માણસ માનવી બને તો જગત સુખી સુખી મહેંક માનવતાની વહે તો ખરેખર દિવાળી...-સુંદરમ્ ટેલર
- દીવડો થૈને પ્રભુ કાજે પ્રગટતો હું રહું પાર્થ થૈ શ્રી કૃષ્ણને હરપળ વળગતો હું રહું, વકરતા આ વિશ્વમાં સાચી દિશાઓ આજે લીન થૈ તુજ નામમાં ચરણે સદા ઢળતો રહું...-શ્યામ ઉપાધ્યાય
- ઉંબરે હો સાથિયાને દ્વાર પર હો તોરણો દીપ ઘરમાં ઝળહળે એ પળ દિવાળી હોય છે, ઘરવિહોણા રાંક દુ:ખી બાળકોને જોઇને ભીતરે કૈં ખળભળે એ પળ દિવાળી હોય છે...- ડો.દીના શાહ
- દીવડાઓની જ્યોત પ્રકટાવી દૂર તિમિરને કરીએ જ્ઞાનનો દીપ પ્રગટાવી અજ્ઞાન દૂર કરીએ, મનમાં દીવો પ્રગટે ત્યારે ભીતર ઝળહળ થાય આતમદીપ પ્રગટે ત્યારે ઉરે ઉલ્લાસ રેલાય... - શ્વેતા જોષી