તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:આત્મીય સિગ્નેચરના બિલ્ડર અને ભાગીદારોએ ટેરેસ ગેરકાયદે વેચી

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાયલીની સ્કીમમાં ફ્લેટ બુક કરાવ્યો હતો, ટેરેસના 10 લાખ વસૂલ્યા
  • બાનાખતનાં પાનાં બદલી વકીલ સાથે ઠગાઈ કરાતાં 3 સામે ગુનો દાખલ

ભાયલીની સ્કીમમાં ફ્લેટ બુક કરાવ્યા બાદ ખરીદનાર વકીલની જાણ બહાર બાનાખતના પેજ બદલી નાખવા ઉપરાંત જે ટેરેસ કાયદેસર રીતે વેચી શકાય તેમ ન હોય છતાં 10 લાખમાં વકીલને વેચી હતી. વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં સ્કીમના 3 પાર્ટનર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

શહેરમાં વકીલાત કરતા રાહુલ શર્મા (ઉ.વ.36, મંગલમ ફ્લેટ, સુભાનપુરા)એ ભાયલીની સીમમાં આવેલી આત્મીય સિગ્નેચર સ્કીમમાં વર્ષ 2019માં ફ્લેટ બુકિંગ માટે 1 લાખ આપ્યા હતા. ફ્લેટની કિંમત રૂ.32.21 લાખ હતી, જેમાં રૂ.22.21 લાખ ફ્લેટના, રૂ.1 લાખ મેન્ટેનન્સ તેમજ ટેરેસના રૂ.10 લાખ હતા. વકીલે 2019માં સ્કીમના પ્રોજેક્ટ પાર્ટનર આકાશ બ્રહ્મભટ્ટને 7 લાખના 4 ચેક આપ્યા હતા, જેની રિસીપ્ટ આપી નહતી.

વકીલે બાનાખાત સહી કર્યા બાદ આકાશ બ્રહ્મભટ્ટે થોડા દિવસ પછી રજિસ્ટર્ડ બનાખત વકીલને આપ્યું હતું. જેમાં કેટલાંક પેજ પર વકીલની સહી નહતી, જ્યારે કેટલાંક પેજ બદલી નખાયાં હતા. બદલાયેલા બાનાખતમાં વકીલે આપેલા 8 લાખને બદલે માત્ર 2 લાખ લખેલા હતા. જેનો વિરોધ કરતાં આકાશ બ્રહ્મભટ્ટે 7 લાખની રિસીપ્ટ આપી હતી. બુકિંગ સમયના 1 લાખ પરત ન મળતાં વકીલે કાયદેસરની ડિમાન્ડ નોટિસ મોકલાવી હતી. જે બાદ 1 લાખ વકીલને ચૂકવી દેવાયા હતા. જ્યારે બાનાખતમાં પાનાં બદલી ટર્મ એન્ડ કંડિશનમાં વિગતો બદલી નાખી હતી તે બાબતે સ્કીમના પાર્ટનરોએ ગલ્લાં-તલ્લાં કર્યાં હતાં.

વકીલે છેતરપિંડી બાબતે માર્ચ-2020માં રેરામાં ફરિયાદ કરી હતી. જેના ચુકાદામાં બાનાખતમાં જે 2 લાખ લખ્યા હતા તે બદલી નખાયું હોવાનું પુરવાર થયું હતું. બીજી તરફ બિલ્ડર દ્વારા વકીલને ટેરેસનું 10 લાખમાં ગેરકાયદે વેચાણ કર્યું હતું. જેથી વકીલે આત્મીય સિગ્નેચર સાઈટના માલિક સંજય પટેલ (જાંબુઆ), આકાશ બ્રહ્મભટ્ટ (માંજલપુર) અને લોમેશ પટેલ (તાજપુરા) સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...